પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૧
મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડળ.

જો આ વર્ણન થઈ શકે તો મારું વર્ણન અશ્લીલ શા માટે ?

ધીરુબહેન : “પણ મારું એમ કહેવું કે એ વર્ણન કરવાની જરૂર જ નહોતી. એ ક્રિયા તો મનુષ્યને અને પશુઓને સમાન છે. મનુષ્યની વાર્તાઓમાં એનું વર્ણન નથી આવતું તો પશુજીવનમાં પણ ન આવવું જોઈએ.

“મનુષ્યજીવનના અશ્લીલતાના વિચારો પશુજીવનમાં લગાડવા એ એક ભૂલ છે. નાટકમાં કાર્ય માણસ નગ્ન આવે તો તે અશ્લીલ છે, પણ કૂતરું નગ્ન આવે તો તેમાં અશ્લીલતા નથી. તે જ પ્રમાણે કૂતરું પેશાબ કરે તે વર્ણન અશ્લીલ નથી. એટલું જ નહિ, કૂતરાના જીવનમાં પેશાબ કરવો એ માત્ર મૂત્રોત્સર્ગ નથી પણ ઘણું વિશેષ છે. કૂતરાની સૃષ્ટિ ગંધથી રચાયેલી છે, અને તેમાં મૂત્રગંધ એ અમુક ટોળાની હદ બતાવે છે, હું તો ત્યાં સુધી માનું છું કે એ ગંધની એમના કામજીવનમાં અસર છે, અને એમની દેશભાવના, દેશની સદી ભાવના, એ સર્વ એ કામજીવન સાથે સંકળાયેલ છે, કદાચ માનવજાતિમાં પણ દેશભાવના, દૈશિક હદની ભાવના, એ પણ આ કામવાસનાથી જ નિષ્પન્ન થઈ હશે. એ સર્વનો મેં મારી વાર્તામાં ઇસારો કર્યો છે.”

થોડીવાર શાન્તિ રહી એટલે મેં કહ્યું: “ત્યારે તમારી ટીકાઓ પૂરી થઈ ખરી. બાકી તમે તો પેલા કાળિયાને ડાઘિયાઓએ બચકાં ભર્યાં એટલાં મને આજે ભર્યા છે.”

ધનુભાઈ : “તમને નહિ, તમારી વાર્તાને ભર્યાં છે, અને જેમ કાળિયાને બચકાં ભરવાથી કાળિયો એ દુઃખી જાતિમાંથી મુક્ત થઈ માનવ બન્યો એમ તમારી વાર્તા પણ આ બચકાંથી વાર્તા મટી વાર્તાટીકાનો વધારે સુખી અવતાર પામે છે, તમે જોયું હશે કે તમારા ઉપરની ટીકા પૂરી નથી થઈ. મારું કહેવું કે તમારી વાર્તા વાર્તા નથી પણ વાર્તાટીકા છે.”