“ના, ના. વાર્તાટીકા નહિ, વાર્તારૂપ ટીકા છે, આપણી મેહફિલની બીજી સભામાં આપણે ટીકારૂપ વાર્તા હોઈ શકે એમ સ્વીકાર્યું છે, અને તમારી બધી ટીકામાં એક ભૂલ તો તમે મોટી બધી કરી છે. મારી વાર્તા તે માત્ર કૂતરાની નથી; પેલા માણસ, તેનું સ્વપ્ન, બ્રહ્માજી, કૂતરાં, સ્વપ્ન આવનારની પત્ની એ સર્વની બનેલી છે. પણ તમારી નજર એક જ બાજુ જાય છે, તેનો એટલો જ અર્થ કે વાર્તામાં વાર્તા અને તેમાં વાર્તા, વાર્તાનું એ સ્વરૂપ તમારી કલ્પના નથી પકડી શકતી. અને આખી વાર્તા તમે નથી પકડી
શકતાં એટલે તમને તેની કલા સમજાતી નથી.”
પ્રમીલા : “બચાવનો સારામાં સારો ઉપાય એ કે સામેના ઉપર હલ્લો લઈ જવો. યુદ્ધનું એક રહસ્ય એ છે કે શત્રુની ભૂમિ ઉપર લડાઈ ચલાવવી.”
ધનુભાઈ : “આમાં ચર્ચા કરવી વ્યર્થ છે. વસંતભાઈ પોતે સેક્રેટરી છે એટલે એ કાંઈ વાર્તા દફતરમાં નોંધ્યા વિના ઓછા જ રહેવાના હતા. અને અત્યાર સુધી જેમને સેક્રેટરી રાખ્યા તે જ વાર્તા ન આપી શક્યા એમ પણ આપણાથી ઓછું જ કહેવાવાનું હતું !”
પ્રમીલા : “મને તો એ ભય લાગે છે કે તેમની વાર્તાને લીધે ભવિષ્યમાં કદાચ આપણ બધાંની વાર્તાને હાનિ થશે.”
મેં કહ્યું : “કદાચ મારી વાર્તાને લીધે જ તમો બધાંની વાર્તા ઉદ્ધારાશે, વાર્તાનો આખો ઇતિહાસ જુઓ, કે વાર્તાએ કઈ દિશાએ પ્રગતિ કરી છે. તેમાં સ્વરૂપ કે આકારનો આગ્રહ ઘટતો જ જાય છે. કશા જ બનાવ વિનાની, માત્ર સંવાદવાળી, નહિ જેવા બનાવવાળી કે એક જ પ્રસંગવાળી, અરે સંવાદ પણ નહિ, માત્ર કોઈ એક પાત્રના મનન કે ખાનગી ચિંતનવાળી, એવી વાર્તાઓ થતી જાય