પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




બુદ્ધિવિજય

વ્યાખ્યાન પૂરું થયું. આચાર્ય તપોવિજયજી, વ્યાખ્યાનનું ચાલુ પાનું ધીરેથી ગ્રંથમાં ગોઠવી, પોથી બાંધી ઊભા થઈ, પોતાના ખંડ તરફ ધીમે પગલે ચાલવા માંડ્યા. ચાલતા ચાલતા, માર્ગમાં ભાવથી સામું જોનારને અમૃતમય દૃષ્ટિથી વદાય-આશીર્વાદ આપતા, અને વંદના કરતા શ્રાવકોને વૈખરીથી ‘ધર્મ લાભ’ કહેતાં, નગરના ભાવિક શેઠ વિમલશીલ ઊભા હતા ત્યાં તે આવી પહોંચ્યા. વિમલશીલ હંમેશ મહારાજને અંદરના ખંડ સુધી મૂકવા જતા અને બેઘડી મહારાજનો વિશેષ સત્સંગ સાધી પછી જતા. તેમની સામે પણ આજે તેમણે વદાયની દૃષ્ટિ કરી ત્યારે તેમણે વિનયથી કહ્યું: “આવું છું ને ?”

“મેં જાણ્યું, આજે તમારે જવાની ઉતાવળ હશે.” વ્યાખ્યાન દરમ્યાન કશા પણ સંદેશા, કે વેપાર રોજગારની કે સંસારની કશી પણ વાતના ખબર કદી પણ ન આવે એવો શેઠનો નિયમ હતો, તેમાં આજે અપવાદ થયો હતો. શેઠનો મોટો ભાણેજ આવીને કાનમાં કંઈક કહી ગયો હતો, અને તેને તરત પાછાં જવાનું કહેતાં શેઠનું મોં જરા મરક્યું હતું, એ આ વિચક્ષણ આચાર્યની નજર બહાર રહ્યું નહોતું. પણ શેઠની ઇચ્છા હમેશ માક પાછળ આવવાની જોતાં આચાર્યે આગળ ચાલવા માંડ્યું. શેઠ તેમની પાછળ પાછળ જવા લાગ્યા. અંદર પેસતાં આચાર્યે જ જરા સ્મિતથી કહ્યું, “પુત્ર આવ્યો?”