પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૫
બુદ્ધિવિજય.


“જી, હા મહારાજ ! મેં કોઈને આવવા કહ્યું નહોતું પણ એ આવ્યો, એટલી આશાતના[૧] થઈ ગઈ તે ક્ષમા કરશો.”

આચાર્યે પ્રસન્ન મુખે એ જ સ્મિતથી કહ્યું, “તો તેનું આલોયણ [૨] કરવું પડશે.”

“ફરમાવો, હું સાંભળવાને યોગ્ય છું.”

“એ છોકરો. અમને આપી દેજો, એ આલોયણ.” અને પછી એના પર ભાષ્ય કરતા હોય તેમ કહ્યું : “મેં ધારેલું લગ્ન ખરું હોય તો એને મહાન દીક્ષાયોગ છે, જો કે એક ગ્રહની વક્રદૃષ્ટિ છે તે જોવાનું રહે છે. મારું ગણિત ખરું હોય તો એનો વર્ણ તપાવેલા સોના જેવો હોય. त्पकांचनवर्णाभः मनस्वी प्रमदाप्रियः । તપ્તકાંચન જેવીરીતે તેની કાયા હોય, તે મનસ્વી હોય અને સ્ત્રીઓનો પ્રિય હોય. જ્યોતિષને ઘણા માને છે, મને પણ તેનો અભ્યાસ છે, પણ જિનાગમે તેને મિથ્યાશ્રુત કહેલ છે તે યથાર્થ છે એવો મારો અનુભવ છે. આપણી તો એટલી ફરજ કે આપણે એને અનુકૂળ સંસ્કાર આપવા. નિર્ણય તો જીવ પોતે પોતાને માટે કરે એ જ ખરો. આપણે ઉતાવળા થઈ નિર્ણય પણ ન કરાવવો. માત્ર દેહનું સૌંદર્ય કે માત્ર બુદ્ધિની પ્રતિભાનું અભિમાન પણ મહાન બંધન છે, તો આ તો બન્નેનો યોગ છે.”

“જી મહારાજ ! આપ કહેશો તેવા સંસ્કાર પાડીશ.”

“પ્રથમ તો હવે તમારે ચોથું વ્રત [૩] લઈ લેવું અને એને સારી રીતે વિદ્યા આપવી. એની મેળે વેપારમાં પડે તો ભલે, નહિતર એની શક્તિ પહોંચે ત્યાં સુધી એને વિદ્યા આપવી, અલબત, જિનાગમને અનુકૂળ રીતે.”

“જી મહારાજ !”

આચાર્ય શેઠના મુખ સામું જોઈ રહ્યા. હજી શેઠની ઉંમર કાંઈ મોટી નહોતી. ચોથું વ્રત લેવાની તેમની તત્પરતા કેટલી સાચી હતી તે જોવા તેમણે તેમની આંખ સામે દૃષ્ટિ કરી, અને તેમાં અક્ષોભ,


  1. ૧. નિષિદ્ધ કરેલો આચાર.
  2. ૨. પ્રાયશ્ચિત્ત.
  3. ૩. બ્રહ્મચર્ય વ્રત.