પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૯
બુદ્ધિવિજય.


જણાઈ, તેનો પશ્ચાત્તાપ તેમને થયો. બધા આઘાત અને બધું દુઃખ ગળી જઈને માત્ર એક નિઃશ્વાસ નાંખીને તેમણે ધીમેથી કહ્યું: “જિનદાસ, બે વરસ વધારે વિચાર કર. દીક્ષા તપને માટે લેવાની હોય છે. વિદ્યા તો આવવી હોય તો આવે, અને જ્યોતિષ તો મિથ્યાશ્રુત છે. એના લોભથી દીક્ષા લેવાય નહિ.”

બે એક દિવસ પછી વિમલશેઠે ફરી દીક્ષાનો પ્રશ્ન કાઢ્યો, ત્યારે ફરી નિ:શ્વાસ નાંખી એ એટલું જ બોલ્યા કે “હજી ઉંમર થવા દો.”

વિમલશીલે કહ્યું કે શાસ્ત્ર પ્રમાણે એ વ્યક્ત[૧] થયેલ છે. ત્યારે સૂરિએ કહ્યું : “ઉંમરે તો થયેલ છે, પણ અમે તો કાવ્યશાસ્ત્રકારોનો મત અહીં ઇષ્ટ ગણીએ છીએ. સંસારના ભાવોને વ્યક્તરૂપે સમજી શકે પછી દીક્ષા માગશે તો વિચારીશું.”

જિનદાસ ચતુર હતો તેને લાગ્યું કે બોલવામાં તેની કંઈક ભૂલ થઈ છે, તેણે નિયમિત વ્યાખ્યાનામાં જવા માંડ્યું. શાસ્ત્રાધ્યયન કરવા માંડ્યું. પ્તાની શી ભૂલ થઈ હતી તે તે સમજ્યો, અને એવી ઐહિક વાસના કાઢી નાંખવા તેણે તપઃપૂર્વક અથાગ પ્રયત્ન કર્યો. બે વરસ પછી તપોવિજયજી પાછા આવ્યા અને પૂછ્યું, “કેમ, દીક્ષા લેવી છે ?”

“જી હા.”

“શા માટે ?”

“કર્મ ખપાવવા માટે.”

“સંસારની વાસના નથી ?”

“બિલકુલ નથી એમ તો કેમ કહેવાય ? પણ તપ વડે અને ગુરુના પ્રતાપે તે ટાળી શકીશ.”

તપોવિજયજી અને આખો સંઘ રાજી થઈ ગયો. જિનદાસને દીક્ષા આપી બુદ્ધિવિજય કર્યો. જૈન સંઘે અને ખાસ કરીને નગરશેઠે મોટો ઉત્સવ કર્યો.


  1. ૬. દીક્ષાયોગ્ય ઉમરને માટે એ પારિભાષિક શબ્દ છે.