પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
દ્વિરેફની વાતો.


જૂના કુટુંબસંસ્કારોથી દૂર કરવા અને સંન્યાસના સંસ્કારો દૃઢ કરવા તપોવિજયજી તેને દૂરના રાજ્યમાં લઈ ગયા, જ્યાંનો રાજા જિનશાસનને માનનારો હતો અને તપોવિજયજીનો ભક્ત હતો.

તપોવિજયજી આ વખતે આવા તેજસ્વી સ્વરૂપવાન શિષ્યને લઈને આવ્યા તેથી લોકોમાં બન્નેનો મહિમા વધ્યો અને બુદ્ધિવિજય તરફ સૌને કૌતુક થયું. બુદ્ધિવિજયે અભ્યાસમાં સારી પ્રગતિ કરવા માંડી અને તેથી તેની કીર્તિ વધતી ગઈ. તે સાથે તે જુવાન થવા લાગ્યો તેમ તેની કાંતિ પણ વધતી ગઈ, અને અર્ધું સમજતી અર્ધું નહિ સમજતી લોકજનતાએ સહસ્ર જીભે અને સહસ્ર નયને તેને રૂંવેરૂંવે સભાન કરી નાંખ્યો. તેની એકએક ક્રિયામાં કોઈ અદ્‌ભુત છટા દેખાવા લાગી. જીવનની કોઈપણ રીતભાત એટલી સાદી નથી કે જેમાં માણસ છટા ન આણી શકે !

ગુરુ આ સર્વ માયા સમજતા હતા, અને શિષ્ય માટેની તેમની ચિંતા વધતી જતી હતી. વારંવાર સન્યાસધર્મ, વાસનાપ્રાબલ્ય, વાસનાની છેતરપીંડી ઉપર શિષ્યને કહેતા, શિષ્ય બુદ્ધિથી સમજતો જણાતો પણ તેના મનનાં ઊંડાણોમાં બુદ્ધિનું અભિમાન, શરીરની તેજસ્વિતાનું અભિમાન, સ્ત્રીઓને અને લોકોને ચકિત કરી આકર્ષવાની વાસના વધતી જતી જણાતી હતી. પણ એક દિવસ તો એવો બનાવ બન્યો કે ચિંતાને બદલે તેમનું આખું મન ઊકળી ઊઠ્યું. બુદ્ધિવિજય પોતાનાં સર્વ ઉપસ્કરણો અને શક્તિના પ્રદર્શનપૂર્વક ગોચરીએ ગયેલો, અને ત્યાં નગરના કોટિપતિની દીકરી એના પર એટલી મોહિત થઈ ગઈ કે તેના હાથમાંથી વહોરાવવાનું વાસણ પડી ગયું ! તપોવિજયજીના દુઃખનો અને ઘૃણાનો પાર ન રહ્યો. “આટઆટલા દિવસથી તને કહું છું કે તારો મેલ સમજ, ને તેને ક્ષીણ કર. તેને બદલે, તું તારા સંયમજીવન ઉપર પણ પાણી ફેરવવા બેઠો છે એટલું જ નહિ પણ આખા શાસનની હીલના કરે છે તે સમજે છે ?”

બુદ્ધિવિજય ગુરુનો તાપ જીરવી શક્યો નહિ. તે ગભરાઈ ગયો