પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪
દ્વિરેફની વાતો.


અને એ પેલા નુસખામાં બેસતો નહોતો. તેણે પ્રશ્ન કર્યો : “કોઈ જગાએ એક રાજાના પ્રતાપના વર્ણનમાં વાંચ્યું છે કે તેણે આટાવિકોને આટાવિકોની પેઠે બાળ્યા ! ત્યાં બીજા આટવિકનો અર્થ શો ?”

“સાહિત્યમાં આવો શબ્દ પહેલી જ વાર હું સાંભળું છું. પણ અર્થ સ્પષ્ટ છે. બીજા આટાવિકનો અર્થ જેને અડાયું છાણું કહીએ છીએ તે. ત્યાં ગોમય શબ્દ ઉમેરી લેવાનો છે. રસના ગ્રંથોમાં ગોપન માટે આ પ્રમાણે નામ અનુક્ત રાખે છે.”

“રસ એટલે ?”

“રસાયન શાસ્ત્ર, વૈદકનો રસાયનવિભાગ.”

બુદ્ધિવિજયનો ચહેરો એકદમ પ્રફુલ્લિત થઈ ગયો. તપોવિજય તે જોઈ ગયા. તેમણે તરત પૂછ્યું : “કયા ગ્રંથમાં આટવિકનો આવો પ્રયોગ તમે જોયેલો ?”

“મહારાજ, યાદ નથી. કદાચ મહાભારતમાં વાંચ્યો હશે કે કોઈ બીજા પુરાણમાં.”

પુરાણોનું નામ દીધું એટલે હવે બતાવો જોઈએ. એમ કહેવાપણું રહ્યું નહિ.

ગુરુ તત્ક્ષણ દૃઢ પગલે ઊઠ્યા, બુદ્ધિવિજયને ત્યાં જ રાખી બીજા બે શિષ્યોને સાથે લઈ ગ્રંથભંડારમાં ગયા. જેટલાં જેટલાં જ્યોતિષનાં અને વૈદક ચમત્કારનાં પુસ્તકો હતાં તે બધાં જાતે કાઢી કાઢી તેનો એક ખડકલો કર્યો. પોતાના જ અંગ ઉપરનું વસ્ત્ર કાઢી તેમાં બધાં બાંધ્યાં ને શિષ્યો પાસે ઉપડાવી બહાર લઈ ગયા. વહોરાઈ ગયેલા અગ્રાહ્ય પદાર્થની પેઠે એ બધા ગ્રંથોને દૂર જમીનમાં ઊંડો ખાડો ખોદી ભંડારાવ્યા. બુદ્ધિવિજયે શોક અને પશ્ચાત્તાપની મુદ્રા ધારણ કરી છતાં તેની આંખમાં ગુરુ એક પ્રકારનો વિજય પારખી ગયા, — બુદ્ધિવિજયને આખો નુસખો મોઢે હતો ! — પણ કાંઈ બોલ્યા નહિ.