પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૫
બુદ્ધિવિજય.


તે દિવસથી તપોવિજયજીની પ્રકૃતિ લથડવા માંડી. તેમને એકદમ વાર્ધક્ય આવ્યું. તેમને કશામાં રસ ન રહ્યો. જાણે, ન સુધરી શકે એવી કોઈ મહાન ભૂલ થઈ હોય, આખું જીવન હારી બેઠા હોય, તેવી નિરાશામાં તેઓ કળતા ગયા. બુદ્ધિવિજયે તેમની અદ્‌ભુત સેવા કરી. તેની સેવા શહેરમાં, રાજકુલમાં જ નહિ પણ આખા જૈન સંઘમાં વખણાવા માંડી. સૌને લાગ્યું કે તપોવિજયજી પોતાની પછી તેને જ આચાર્યં પદે સ્થાપશે. પણ એ આશા ફળીભૂત થવાનાં કાંઈ ચિહ્નો દેખાયાં નહિ. ધીમેધીમે લોકોએ તેનું કારણ તપોવિજયજીનું વાર્ધક્ય અને તજ્જન્ય બુદ્ધિમંદતા માની, અને બુદ્ધિવિજય તરફનો સર્વનો પક્ષપાત તેથી વધતો ગયો.

ગુરુનો અંત પાસે આવતો દેખાયો, તપોવિજયજી તદ્દન ક્ષીણ થઈ ગયા. તેમનું આખું શરીર તદ્દન નિસ્તેજ થઈ ગયું — માત્ર આંખોમાં જુનો ચમકારો અને તે સાથે અગાધ તિરસ્કાર, ઘૃણા અને નિરાશા દેખાતાં હતાં.

છેલ્લા દિવસોમાં તેઓ અવાચક થઈ ગયા. બુદ્ધિવિજયે આજ સુધી ગુરુની સેવા કરવામાં કશી કચાશ રાખી નહોતી. એ સેવાથી ગુરુ પ્રસન્ન થઈ કોઈ નુસખો કહેતા જશે, છેવટે પોતાની પછી આચાર્ય- પદવી માટે ભલામણ કરતા જશે એવી તો આશા હતી જ, પણ ગુરુ તો અવાચક થઈ ગયા ! જોકે શુદ્ધિમાં હતા. અનેક વાસનાઓની મભમ તૃપ્તિની આશાએ બુદ્ધિવિજયે રાજવૈદ્યની માત્રા આપી ગુરુને બોલતા કરવા પોતાના સહાધ્યાયીઓને કહ્યું, પણ બધાઓએ આવા નિઃસ્પૃહ અને વીતરાગ ગુરુને કંઈ કહેવાનું હોય જ નહિ એમ કહી નકામો ત્રાસ આપવા ના કહી. પણ બુદ્ધિવિજયે માન્યું નહિ. એણે બધાના દેખતાં છેવટે ગુરુને જગતના કલ્યાણ અર્થે અને શિષ્યોના આશીર્વાદ માટે કંઈક વચન કહી શકાય માટે માત્રા લેવા ગુરુને વીનવ્યા. બધાઓને નવાઈ લાગી કે ગુરુએ હા કહી. માત્રા મગાવી.