પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૯
બુદ્ધિવિજય.


અડી જોયું તો કુંવરનું શરીર તેને ટાઢૂં પડતું લાગ્યું. તે ફરી ચોકિયાતો તરફ દોડ્યો. રાજવૈદ્ય માટે પૂછ્યું તો જવાબ મળ્યો કે તે બહારગામ ગયેલ છે. તેણે ત્યાંને ત્યાં ત્રણ સૌથી સારા ઘોડાવાળા સવારોને બોલાવવા કહ્યું. ચોકિયાતોમાંથી કોઈ બોલાવવા ગયા અને બાકીનાનું ટોળું કુંવરની આસપાસ જમા થયું.

રાજા ભયથી ગાંડા થઈ બૂમો મારતા હતા, અને પેલા ત્રણ ઘોડેસવારો આવ્યા તેમને દડમજલ દોડતાં જઈ, બુદ્ધિવિજયનું માથું કાપી લઈ આવવા હુકમ કર્યો. રાજવૈદ્યને આવતાં એકાદ પ્રહર થઈ ગયો. તેણે આવીને આશ્વાસન આપ્યું. બધી હકીકત જાણી લીધી. વૈદ્યે કુંવરને શરીરે હાય ફેરવ્યો. કુંવરને પસીનો વળતો હતો તેને લીધે શરીર ઠંડું લાગતું હતું. તેની નાડ બરાબર ચાલતી હતી. તેને અડતાં હવે હાથ પણ ચચરતો નહોતો. થોડીવારે કુંવર શુદ્ધિમાં આવતો હોય એમ લાગ્યું. તેને ધીમે રહીને મહેલમાં સુવાર્યો. બે પ્રહરે તે શુદ્ધિમાં આવ્યો અને તેણે ઊંધી જવા કહ્યું. રાજવૈદ્યે હેમક્ષેમનો અભિપ્રાય આપ્યો અને સૌ વીખરાવા લાગ્યું. ત્યારે રાજાને પેલા ત્રણ સવારો મોકલ્યાનું યાદ આવ્યું. તેણે દીવાનને વાત કરી. પણ હવે રાત પડવા આવી હતી. બીજા કોઈ સવારો પહેલાને પકડી પાડી શકે એમ હતું નહિ. માત્ર રાજસાંઢણી જ હવે તેને પહોંચી શકે, પણ તેના પર રાજા સિવાય કોઈથી બેસાય નહિ! રાજાએ તરત જાતે નીકળી ઘોડેસવારોને પહોંચી જવા ઇચ્છા દર્શાવી, પણ બધા દરબારીઓએ રાત પડી હતી માટે સવારે જવા, સવાર સુધીમાં કેમ રહે છે તે જોવા સલાહ આપી, અને ગુરુના આયુષ્યની ચિંતાનું, સાંઢણીનાં વખાણ કરી, પહોંચી જવાની ખાત્રી આપી, નિવારણ કર્યું.

રાત્રે બધા જોઈ શક્યા કે કુંવર તદ્દન હોશમાં હતો, અને ધીમે ધીમે તેની ઉપરની ચામડી ઊતરતી જતી હતી અને નીચેથી નવી સારી ચામડી આવતી જતી હતી. સવારે રાજા પોતાની સાંઢણી ઉપર એક હોશિયાર સવાર લઈ એકલો નીકળી પડ્યો.