પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




ઇન્દુ

ત્યાગ્રહનું બીજી વખતનું યુદ્ધ ચાલતું હતું. આ વખતે સરકારે પહેલા યુદ્ધ વખતે એક પછી એક જે ઑર્ડિનન્સો કાઢેલા હતા તે બધાનો સરવાળો કરીને એક મોટો ઑર્ડિનન્સ પસાર કરી દીધો હતો. લડતમાં ભાગ લેનારાઓને પાંચ પાંચ વરસની સખ્ત મજૂરીની જેલ મળતી હતી. ગયે વખતે જેલમાં જેમને ‘અ’ વર્ગની જેલ મળેલી તેમને પણ આ વખતે ‘ક’ વર્ગની મળતી હતી. જપ્તીઓ ઉપર જપ્તીઓ થતી હતી, ભલભલા ડરી ગયા હતા, ત્યારે પોતાના તાલુકાની લાજ રાખવા નરેન્દ્રને જેલમાં જવાને ખાનગી સૂચના મળતાં તેણે તરત હા પાડી. ગયે વખતે તેનો મિત્ર વીરેન્દ્ર ગયો હતો અને નરેન્દ્રને જવાનું આવે તે પહેલાં લૉર્ડ અરવિન સાથે સન્ધિ થઈ હતી. આ વખતે પણ પોતાના કુટુંબવાળા મિત્ર નરેન્દ્રને બદલે, વીરેન્દ્ર, છડે છડો હોવાથી, પોતે જવાને તૈયાર થયેલો, તેણે નરેન્દ્રને ઘણું સમજાવ્યું. પણ નરેન્દ્ર માન્યો નહિ. તેનું જ નામ નેતા તરીકે જાહેર થયું. ધ્વજવંદન, છૂપા ઓચિંતા મેળાવડા, લાઠીમાર, ધરપકડ વગેરે બધી ભૂમિકાઓ ભજવાઈ જઈ છેવટની ભૂમિકા આવી.