પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨
દ્વિરેફની વાતો.


ફસાયેલી ત્યાં આ સાંભળી તેને ઘણો આઘાત લાગેલા. અને અત્યાર સુધી તો તે સાચું પડતું હતું. ગિરજાની ઉંમર બહુ મોટી નહોતી થઈ ગઈ, પણ તેની સમોવડ બેનપણીઓની આંગળીએ ત્રણત્રણ છોકરાં હતાં ત્યારે ગિરજાને કાંઈ નહોતું. પતિનો અદ્વિતીય સ્નેહ, સુખસપત્તિ બધું હતું છતાં છોકરાં નહોતાં. અનેકવાર તેણે પતિને ફરી પરણવા કહેલું પણ કેશવરામે તે હસી કાઢેલું. ‘ન પરણો તો, તમારે ભૈરવની ઉપાસના છે, અનુષ્ઠાન કરી પુત્ર માગો.’ તેણે આ વાત પીરસતાં પીરસતાં, રાતે પરથારે બેસી વાતો કરતાં, કોઈવાર તેની સાથે ખેતરે જતાં, એમ અનેકવાર કરેલી પણ સકામ ઉપાસનાથી કોઈનું સારું થતું નથી એ એક જ જવાબ તેણે હંમેશાં આપેલો. આમ અનેક કોડથી આશાનિરાશા વચ્ચે ઝોલા ખાતાં તે જાણે કાળમાં ફરતી હતી. પતિને અનુષ્ઠાન માટે ફરી વીનવવા તેનામાં અજ્ઞાત સંકલ્પ પણ થયો. એટલામાં દૂરથી તેણે કેશવરામનાં પગલાં સાંભળ્યાં. ઊભી થઈ સામે જાય છે એટલામાં કેશવરામ ઘરમાં આવ્યો. તમારે માટે ક્યારની રાહ જોઈ વડાંની દાળ લઈ બેસી રહી છું એ વાક્ય પૂરું બોલે તે પહેલાં તો કેશવરામે કહ્યું: “હું માત્ર દૂધ જ લઈશ. હું ઉપર જાઉં છું. તું ત્યાંથી આપણી પથારીઓ ઉપાડી નીચે લઈ આવ. તું નીચે જ સૂજે. મારાં પંચપાત્ર, દર્ભાસન, કુંડ, નીચેથી થોડાં અડાયાં છાણાં, પંચગવ્ય, મધ, જવ, તલ, સમિધ, થોડા ઘઉં, અડદ, મારો મોટો પાટલો, બધું ઉપર મેલ. કાઈને ઉપર આવવા દઈશ નહિ. તું પણ ઉપર ન આવતી.”

“કેટલા દિવસ?”

“અગિયાર દિવસ.”

પતિએ જમવાની વાત ઠેલી તે ગિરજાને ગમ્યું નહિં, પણ અનુષ્ઠાન કરી પોતાની કામના પૂર્ણ કરશે એ આશાએ એ કાંઈ બોલી નહિ. પોતાને માટે જ અનુષ્ઠાન થાય છે એવી લગભગ