પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૩
કેશવરામ.


ખાત્રી છતાં તેને પૂછવાનું મન થયું, પણુ કશું પૂછી શકાય એવો કેશવરામનો સ્વભાવ નહોતો. એક વાત મનમાં આવે પછી તેનું મન શિકારી કૂતરો શિકારની ગંધે દોડે એટલા વેગથી દોડતું. જે કંઈ વસ્તુ તેની હડફેટમાં આવે તે પડી જતી. એટલે ગિરજાએ કંઈ પણ પૂછ્યા વિના પોતાની આશામાં જ બધી તૈયારી કરવા માંડી.

પણ ઉપાસનાના ત્વરિત નિર્ણયનું કારણ જુદું જ હતું. કેશવરામ સવારે સંધ્યાપૂજાથી પરવારી હોમને માટે સમિધ લેવા ગયો હતો. સમિધ લઈ પાછો ફરવાનો વિચાર કરતો હતો ત્યાં દૂર તેણે પોતાનો દૂરનો મામો રાઘવ ભટ્ટ દીઠો, તે ઔષધનાં મૂળિયાં લેવા આવેલો હતો.

“કેમ, આટલા દહાડાથી દેખાતા નથી ?”

“કેમ દેખાતા નથી, તે નથી જાણતો ? અજાણ થઈ ને મને પૂછે છે ! આ તો ઠીક છે એકલ ગામમાં રહો છો એટલે નભે છે, પણ અમારાથી તો કોઈને મોં પણ બતાવાતું નથી.”

“કેમ મામા, આમ બોલો છો ! એકલ ગામમાં છું તેમાં કોઈનું શું ગયું?”

“અલ્યા, મારી પાસે પાછો ચાલાકી કરે છે ?”

“મામા, ખરેખર કશું નથી જાણતો !”

“નથી જાણતો, તે નહિ આ નન્દીગઢના રાજાને ત્યાં મોટો યજ્ઞ થયો તેમાં આમન્ત્રણ મળ્યું હોય ? નાતમાં ઘર દીઠ આમંત્રણ હતું, તને હતું ?”

કેશવરામ તેને માંડમાંડ સમજાવી શક્યો કે પોતે કશું જ જાણતો નહોતો અને ત્યારે જ તેણે ‘આવો અહીં બેસીએ’ કહી ઝાડ નીચે બેસી વાત કરવા માંડી.

“મહારાજાએ અને દીવાને કોઈને ટાળવો નહિ કહી, ઘરદીઠ એક બ્રાહ્મણ તો ગમે તેવો અભણ હોય તોય બોલાવવો એવો નિશ્ચય