પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪
દ્વિરેફની વાતો.


કર્યો. સાથે કીલાભટ હતા, હું હતો, એમ એક બે વિદ્વાન બ્રાહ્મણો હતા. કીલાભટે ટાપશી પૂરી કે હા, અભણ હશે તોય છેવટ માળા ફેરવશે તે છાણું ભાંગવામાંથી નહિ જાય. તું જાણે છે તો ખરો, એને વાત કેવી કરતાં આવડે છે. પછી મુખ્ય કામ કરવા કોને કોને બોલાવવા એ વાત નીકળી, ત્યારે તારું નામ આવ્યું. ત્યારે કીલાભટે કુટું: “મહારાજ બોલાવવો હોય તો બોલાવો. હા, વિદ્વાન છે, કાશીએ જઈને ભણી આવ્યો છે, ઘેર આવસત્થે છે, ઘડીભર ગમે એવા વિદ્વાનનેય કાન પકડાવે એવો છે, પણ એને બોલાવશો તો બીજા કોઈ બ્રાહ્મણો! ઊભા નહિ રહે. પછી તમારે કરવું હોય એમ કરો.” દીવાને પૂછ્યું, “કેમ એમ કહો છો. મહારાજ ?” તો કહે, “મહારાજ, પૂછવામાં માલ નથી. ગમે એવો તોય બ્રાહ્મણનો દીકરો છે. એના ઘરમાં પાંચ પૈસા જશે તો હુંય રાજી છું, પણ આ તો યજ્ઞનું કામ રહ્યું એટલે કહું છું.” “પણ કારણ શું?” કહો કહો એમ સૌએ કહેતાં કહે, "મહારાજ, બ્રાહ્મણના દીકરાનું મારી પાસે શા સારુ બોલાવો છો ?” મારો બેટો એમ કહી કહીને વાતને કસ ચઢાવતો જાય હોં, અને પછી કહે, “વાત તો એમ બની કે એક દી સવારમાં નદીએ નાહીને ઘર તરફ જતો હતો. હાથમાં મોટો લોટો, ખભે ધોયેલાં બે ત્રણ કપડાં લઇને ગામ વચ્ચે થઈને જતો હતો. પાછળ પાછળ એક વાઘરણ ચાલી જાય. તે ચોરા આગળથી વળીને જાય છે એવો વાઘરણે પડકાર્યો. ‘મહારાજ, મારું કાપડું આપતા જાઓ કે, ક્યારની કહું છું સાંભળતા નથી !’ એ... ચોરાના ગરાસિયાએ સાંભળ્યુ, ને ઝાઝું કહેવામાં માલ નથી, ખંભે ધોતિયાં હતાં એ ઉકેલ્યાં તો મહીંથી ડબક દેતુંને કાપડું નીકળી પડ્યું ! મહારાજ કાનને દોષ છે હોં, હું કાંઈ નજરે જોવા નથી ગયો.”

કેશવરામ હાથમાં સળી લઈ જમીન ઉપર લીટા કાઢતો કાઢતો સાંભળતો હતો. તેણે સામું જોયું ! “મામા, તમે પણ કાંઈ ન બોલ્યા ?” “પાછો એવું બોલે છે? કીલાભટ બોલતા હોય ને મારાથી વચમાં