પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૫
કેશવરામ.

બોલાય ? દરબારમાંથી મારો પગ જ કાઢી નાંખે ના ! ઈ તો લાગે આવ્યું લાકડું સૌ ભાંગે, તેં આ ગરાસ ન લીધો હોત તો એને જાત ને ! હું તો કહેતો હતો કે એવું ઉછેદિયું લેવામાં સાર નહિ.”

કેશવરામે કહ્યું: “મામા એને એકલાને ન જાત, તમને ય જાત. બન્ને સરખી પેઢીએ થાઓ ના !” રાઘવ ભટ્ટ જરા ગભરાયો ખરો. “માળા, આવું બોલ છ ? તને વાત કરી ત્યારે મને વળગ છ ? દુનિયામાં કોઈ ને કહ્યામાં સાર જ નથી. લે મોડું થાય છે. હું હવે જઈશ. પણ માળો, બ્રાહ્મણના દીકરાનું ભૂંડું બોલે એનું સારું ન થાય, એમ કહેતો જાય, ને બોલતો જાય હોં.”

“તે મામા એનું નહિ જ સારું થાય. અને હવેથી તમે સુખેથી એનો ને મારો બન્નેનો ગરાસ ખાજો.”

“અલ્યા, તું તો સમજતો જ નથી. આ તો મારે મોઢે બોલ્યો એ બોલ્યો, બીજાને કહીશ, તો લોકો તો કેવા છે ?— અહીંનું અહીં સળગાવે ને બે ઘડી જુએ.” કહી ભટ્ટજી નાઠા તે સામું જોવા ઊભા ન રહ્યા. પણ એ પાતે જ અહીંનું અહીં સળગાવે એવા હતા. કીલા ભટને મળીને કેશવરામે તમારું સારું નહિ થાય એમ કહ્યું છે અને તે સબંધી અનેક તર્કો કહી આવ્યા ત્યારે જ તેમને જપ વળ્યો.

નવ દિવસ સુધી, મોટા પરોડે ઉઠી, કેશવરામ, નદીએ જઈ સ્નાન કરી આવે, તે સિવાય નીચે ઊતર્યો જ નહિ. હમેશાં ગિરજા બપેારના દાદર ઉપર ઊભી રહી ઊંચો હાથ કરી દૂધ મૂકી જાય અને પહોરેક પછી લઈ જાય તે સિવાય તે પગથિયાં ઉપર પગ પણ મૂકતી નહિ. દસમે દિવસે તો બે વાર દૂધનો પ્યાલો લેવા ચડી પણ દૂધ જેમનું તેમ પડેલું હતું. બપોરે ગાય વહેલી દોહી તે ફરી તાજું દૂધ મૂકી આવી, તે ઠેઠ રાતે અરધું પીધેલું પાછું લઈ આવી. અગિયારમે દિવસે તો રાત સુધી દૂધ પીધા વિનાનું જ પડેલું મળ્યું.