પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૭
કેશવરામ.

“ના, ના, મને તો કશુંજ નથી થવાનું.”

“ના, તમે નથી કહેતા. મારાથી છુપાવો છો. તમને કંઈ નથી થવાનું ત્યારે એવું શું ભૂડું થવાનું છે તે કહો.”

“કહું છું કંઈ નથી. કશું કહેવા જેવું નથી.”

“મારા સમ કહું છું. મને ચિંતામાં જ મારી નાંખવા ધારી છે કે શું? કહું છું કહો, નહિ તો અન્નજળ તજીશ.”

“એમ ન કર, જો કહું. ભૈરવ પાસે કોઈનું મૃત્યુ માગ્યું હોય એ જે બીજું સાંભળે તે પણ મરે. હું નહોતો કહેતો કે સકામ ઉપાસના કરે તેનું સારું ન થાય !”

“હું મરું એ જ તમને અનિષ્ટ થાય એ જેવું મારે બીજું કશું ય નહિ. પણ તમે આટલાં વરસ મારે માટે અનુષ્ઠાન ન કર્યું, તે આવા કામ માટે કર્યું, હેં ?”

કેશવરામે બહુ જ વહાલથી ચુંબન કરી કહ્યું : “બહુ કાળ ચઢ્યો અલિ! રહેવાયું નહિ.” અને પછી રાઘવભટ્ટે કહેલી બધી વાત કહી. એ કહેતાં કહેતાં પણ તેના મોંમાંથી ફૂંફાડાની પેઠે શ્વાસ નીકળતો હતો. બધું કહી રહ્યા પછી તેણે કહ્યું : “બોલ, તારા સ્પર્શવાળા અંગથી હું બીજી કોઈને સ્પર્શ કરું? એ હું કેમ સહન કરું?”

“અરે મારા ભોળા બ્રાહ્મણ ! મને કહેવું તો હતું. હું ય કેવી બેવકૂફ કે તમને પૂછ્યું નહિ. તમે મને આ વાત કહી હોત તો કદી તમને આ કામ ન કરવા દેત. થયું, થવાકાળ. પણ હવે જુઓ. હું તો ચાલી. અને મારા જીવતાં મારું કહ્યું નથી કર્યુંં પણ મારા મૂવા પછી બીજી પરણજો. ને મારા જેવી જ તેને સુખી કરજો, ત્યાં રહી રહી યે તમને છોકરું જોઈશ તો રાજીરાજી થઈ જઈશ.” ગિરજાએ સૂતાં સૂતાં કેશવરામને ગળે હાથ નાંખ્યો.