પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦
દ્વિરેફની વાતો.


માંડ્યાં તેમ તેમ તેમણે એ વાતો વધારે ઝનૂનથી કરી. તેમને ત્યાં સાંઝ સવાર મોટો ડાયરો જામતોજ, અને આ દરદથી ડાયરાની સંખ્યા વધતી જતી. અને સાંભળનારા વધતા, તેમ તેમ તેમની પોતાની વાતની પ્રતીતિ અને તેનું કથન વધારે વધારે ઉત્સાહ અને વેગથી થતું જતું હતું.

પણ અંતે તો ભયંકર ચિહ્નો દેખાયાં. દિવસ આખો મોંમાંથી તપેલાં ને તપેલાં ભરાય એટલી લાળ ગળ્યા કરતી. દાંતનાં પેઢાં સૂણીને એવાં થઈ ગયાં કે મોં ઓળખાય નહિ. લાળ ગંધાવા માંડી. શરીર આખે ચાંદાં પડી ગયાં; તદ્દન અપંગ થઈ ગયા. રૂના પોલમાં શરીર રાખવું પડે એટલું ઓછું થઈ ગયું. ઘેર આવતો ડાયરો તદ્દન પાતળો પડી ગયો એટલે રોગનો પણ જે એક ઉત્સાહ હતો તે ઓસરી ગયો. છતાં ઝનૂન વધતું ગયું. અને એક સાથે પારાની સિદ્ધિ અને કેશવરામનું પાપ સાબિત કરવાને એમણે એક ઉપાય શોધી કાઢ્યો. તેમને ખાત્રી હતી કે હવે એક બે દિવસમાં મરી તો જવાશે જ. એટલે એમણે કેશવરામને આંગણે મરીને તેને બ્રહ્મહત્યા દેવાનો નિશ્ચય કર્યો.

સવારનો પહોર હતો. કેશવરામ નિત્યનિયમ પ્રમાણે નદીએ નાહવા ગયો હતો. ગિરજાને કચડપાપડ રહ્યા કરતું. તે ક્ષીણ થઈ ગઈ હતી. તે જરા મોડી ઊઠી એટલે બેસી શાન્તિથી દાતણ કરતી હતી, તેટલામાં બે ભોઈઓએ ઉપાડેલો મિયાનો આવ્યો. કોઈ રાજનું તેડું હશે એમ વિચાર કરતી ગિરજા જોઈ રહી હતી ત્યાં અંદરથી કોઈ વિલક્ષણ પ્રાણીના જેવો મોટો અવાજ થયો. ભોઈઓએ મિયાનાનાં બારણાં ઉઘાડ્યાં અને અંદરથી લોહીમાંસના લોચા જેવું શરીર બહાર નીકળ્યું. જોતજોતામાં ચીસો પાડતું તે પાસે આવ્યું. તે ચાલીને આવ્યું કે દોડીને આવ્યું તે પણ સમજાય નહિ એવી રીતે આવ્યું. કાઈ જૂના ઘર ઉપરથી ગારના પોપડા ઠેકાણે ઠેકાણેથી ઊખડી જાય અને અંદરની ગાબડાં પડેલી ભીંત દેખાય, તેવું તેમનું શરીર દેખાતું હતુંઃ જાણે ભગવાન લોહીમાંસ મજજાનું શરીર બનાવી તેને ચામડાથી