પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઇન્દુ


વરસની સજા થઈ. જેલમાં લઈ જતાં પહેલાં તહોમતદારને તેનાં સગાંને મળવા દેવો એવો એક રિવાજ અસ્તિત્વમાં આવ્યો હતો. નરેન્દ્રને તેની પત્ની જમના અને વીરેન્દ્ર મળવા આવ્યાં. વીરેન્દ્રે કહ્યું : “ખરેખર ! આ કુટુંબવાળા આવી રીતે જાય છે તે મને પસંદ નથી.”

નરેન્દ્ર : “તે કેમ, અમે એવા બરડ હોતા હઈશું કે વિરહમાં ઘડીકમાં ભાંગી જઈએ ?”

વીરેન્દ્ર : “ના, હું તો સ્ત્રીઓ માટે કહું છું.”

નરેન્દ્ર : “ત્યારે તો તું સમજતો જ નથી ! તમે કુંવારા લોકો સમજી ન શકો ! જ્યારથી ઇન્દુ આવ્યો છે ત્યારથી હું દુનિયામાં છું તેની ભાગ્યે જ જમનાને ખબર હશે. નહિ, એક શ્લોકમાં કહ્યું છે, કે સ્ત્રીનું સુખ પુત્રજન્મ સુધી !”

જમના : “થોડાં બીજા સંસ્કૃત પુસ્તકો સાથે લઈ જાઓ, ને જેલમાં બેઠા બેઠા સ્ત્રીની ભયંકરતા વિશે બીજા શ્લોકો શોધી કાઢો.”

નરેન્દ્ર : “આ વખતે તો પુસ્તકો મળવાનાં નથી.”

વીરેન્દ્ર : “તો નવા જોડી કાઢજો!”

નરેન્દ્ર : “ઠીક પણ આમ લડવું જ છે કે કાંઈ વાત કરવાની છે ? તારે જોઈતું કરતું—”

જમના : “નહિતો પણ તમે કે દા’ડે કશું ઘરનું કામ કરતા’તા ! વીરેન્દ્રભાઈ કરતા ને વીરેન્દ્રભાઈ કરશે. તમે તમારે જાઓ ને જેલમાં લહેર કરજો.”

આમ કેટલીય મશ્કરી કરીને હસીને ત્રણેય જુદાં પડ્યાં. પાછાં ફરતાં જમના એક પણ શબ્દ બોલી નહિ. તેની બંને આંખોમાં આંસુની છોળો ઊડતી હતી. આ નિર્બળતા વીરેન્દ્ર પાસે પ્રગટ થઈ ગઇ તેની માફી માગતી હોય તેમ ઘેર જઈ તે બોલી : “વીરુભાઈ,