પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઇન્દુ.


રોતી એક સાદડી પર જમના પડી રહી હતી. અંધારામાં જમનાને શોધી નજીક બેઠો. જમના તેના ખોળામાં માથું નાંખી એક લાંબા ડુસ્કામાં લગભગ બેભાન થઈ ગઈ. વીરેન્દ્ર તેના લોથ જેવા થઈ ગયેલા શરીરની સારવાર કરવા લાગ્યો. તેણે તેનાં આંસુ લૂછ્યાં. તેના વાળ સરખા કર્યો. તેની મૂંઝવણ ડુસકાં અને અકળામણ વધતા તેના કબજાનાં બટન ઉધાડી તેણે છાતી ખુલ્લી કરી. પણ એમ કરતાં તે પોતે અવશ થતો જતો હતો તેનું તેને ભાન રહ્યું નહિ...

શું થયું તે બન્નેને જાણે બેભાનમાં કશું સમજાયું નહિ. પણ થોડીવારે ઓથારમાંથી ઝબકીને જાગે તેમ જમના ચીસ પાડીને જાગી ઊઠી. જાણે પોતાનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય તેમ તેણે લાંબી હાય નાંખી. સામી ભીંતે તેણે જોરથી માથું પછાડ્યું. વીરેન્દ્રે ઊભા થઈ દીવા કર્યો, પણ આ સ્ત્રીને સાન્ત્વન આપવા, તેણે શરૂ કરેલી પશ્ચાત્તાપની ભયંકર શિક્ષા અને તેનાં હૃદય ચીરો નાંખે એવાં ક્રન્દને અટકાવવા તે કાંઈ જ કરી શક્યો નહિ. એક જ કાર્યથી, એક જ સ્ખલનથી જાણે તેને મદદ કરવાનો સર્વ હક તે ખોઈ બેઠો હોય, એમ તેને લાગ્યું. આસપાસનાં પાડોશી દોડી આવ્યાં. ‘અનેક માબાપોએ છોકરાં ખોયાં છે,’ ‘કાલ સવારે નરેન્દ્રભાઈ આવશે’, ‘તમે આમ કરીને બિચારા વીરેન્દ્રભાઈને કેવા ઘાંઘા કરી મૂકો છો,’ વગેરે સાન્ત્વન આપ્યું. જમના રોતી રહી ગઈ. વીરેન્દ્ર ચાલ્યો ગયો. જમના બધાને જવાનું કહી બારણું વાસી પડી રહી.

બીજે દિવસે વીરેન્દ્ર આવ્યો ત્યારે તેણે જમનાને જુદી જ જોઈ. કલ્પાન્ત કર્યાનું એક પણ ચિહ્ન તેનામાં દેખાતું નહોતું. તે જાણે કંઈ જ બન્યું નથી એમ ઘરનું કામકાજ કરતી હતી અને રાંધવા લાગી હતી. પણ એની સ્વસ્થતા ભયંકર દેખાતી હતી; મનની અંદર ચાલતા કોઈ ભીષણ વિચારોનું તે બાહ્ય લક્ષણ હતી. વીરેન્દ્રને અનેક