પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
દ્વિરેફની વાતો.


થયું એમાં તેનો દોષ નહોતો. તેના પર જગતની વધારે મંગળ વધારે વ્યાપક યોજના જીત મેળવતી હતી. જગતના જીવનની યોજના આગળ વ્યક્તિની કરેલી યાજના તૂટે તેમાં તો જગતની આશા છે!

તેણે ફરીવાર વિચાર કરવા માંડ્યો, અને જીવવાના નિર્ણયથી વિચાર કરવા માંડ્યો. નરેન્દ્રને ખરી હકીકત નહિ કહી શકાય, અને ઇન્દુને અસહાય રાખવો પડશે, એ પાપના ભાનથી તે ફરી ભીષણ બની, એક વિજયી રાજા લાંબા વખતના અહંકારી શત્રુ પાસે હીણપતની શરતો કબુલ કરાવે, એક તહોમતદારને ફાંસીની સજા માફ કરી સરકાર તેને જીવનભરની કેદની સજા કરે, તેમ તેણે ફરી પોતા માટે જીવનના સખ્ત નિયમો ઘડવા માંડ્યા.

ઇન્દુને બે માસ થતાં સુધી તે અનાથાલયમાં રહી, અને પછી એક દિવસ તેણે અનાથાલ છોડવાનો નિશ્ચય કર્યો. જમના નાની હતી ત્યારે પોતાના ગામમાં કોઈ સ્ત્રી કૂવે પડીને મરી ગઈ તેનું વર્ણન સ્ત્રીઓમાં થતું તેણે સાંભળેલું : “પાનકોર સવારમાં ઊઠી. નાહી ધોઈ ઠાકોરજી આગળ ઘીનો દીવો કરી પગે લાગી. રૂપાળો છોકરાને લઈને ધવરાવ્યો થોડીવાર રહીને દૂધસાકરે નવરાવ્યો. રૂપાળું આંજણ આંજીને ફરીવાર ધવરાવીને ઊંઘાડ્યો. છોકરો ઊંઘી ગયો એટલે રૂપાળી રાતી ચૂડલી સિવાય બધાં ઘરેણાં પટારાના દાબડામાં મૂકી છાનીમાની ઘરમાંથી છટકી ગઈ. એ છટકી તે છટકી, ફરી ઘરમાં જીવતી પાછી આવી નહિ !” જમનાને કદાચ ઇન્દુને મૂકીને જવું એ મૃત્યુ જેવું લાગ્યું હશે તેથી કે ગમે તે કારણથી, જવાને દિવસે આ પાનકોર યાદ આવી. તે પણ ઇશ્વરસ્મરણ કરતી ઊઠી. તેણે પણ ઇન્દુને તે દિવસ ખૂબ રમાડ્યો, નવરાવ્યો, આંજણ આંજ્યું, તેનાં કપડાં ધોયાં, ને સાંઝને વખતે તેને ઉંઘાડી, બચીઓ ભરીને બહાર જવા નીકળી. રસ્તામાં પગથિયું ઊતરતાં તેને અડવડિયું આવ્યું, તે ભીંતને ટેકે ઊભી રહી, તેને ફરી ઇન્દુનું મોઢું જોવાનું અને બચી ભરવાનું મન થયું,