પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
દ્વિરેફની વાતો.

હતું. પણ તેમાં હાસ્યનો પ્રકાશ નહોતો, નર્યો ભીષણ નિર્ણય હતો. નરેન્દ્ર તેનાથી જરા આભો બની ગયો. પણ તેણે ક્ષણમાં પોતાનો હાસ્યમય ઉલ્લાસ પાછો મેળવી લીધો. તેના ખભા પર હાથ મૂકી જરા ખભો હલાવીને તેણે કહ્યું : “કાગળમાં તો લખતી હતી કે સ્વસ્થ છું ને આવી કેમ થઈ ગઈ ?”

જમનાએ સામું જોઈ કહ્યું : “સ્વસ્થ જ છું. શરીર તો ગમે તેવું થાય.” આટલું વાક્ય તેણે એવા અવાજે કહ્યું કે નરેન્દ્નો બધો ઉલ્લાસ જતા રહ્યો. જમનાને શું થયું છે તેના વિચારમાં તે પડી ગયો.

ઘરનું કામ બરાબર સામાન્ય રીતે ચાલ્યું. રાતે વાળુ કરી રસોડામાં અબોટ દઈ જમીન કોરી કરી જમનાએ પોતાને માટે એક સાદડી ને પાતળી ગોદડી પાથરીને બીજી ઓરડીમાં નરેન્દ્રને માટે પથારી કરી. નરેન્દ્ર આ જોઈ રહ્યો. તેણે મશ્કરીમાં કહ્યું : “કેમ, સરકારની સજા ઓછી હતી કે તું હજી નવી સજા કરવા લાગી છે?”

“નહિ, હું મને પોતાને જ સજા કરવા ઈચ્છું છું !”

નરેન્દ્ર એકદમ ઉમળકાથી ઊભો થયો. તેણે જમનાને બાથમાં લીધી.—તેનું મોં દીવે ધર્યું તે જ વખતે જમના એવા દુઃખસંવેગથી રડી પડી, કે નરેન્દ્રને ભય લાગ્યો કે તેમાંથી તે કદાચ બેભાન થઈ જશે. તેણે જમનાતે ધીમેથી પથારીમાં સુવાડી. તેનો આવેશ શમવા દીધો. તેને પાણી પાયું. એક પ્રયત્નથી સ્વસ્થ થઈ જમનાએ કહ્યું : “મને તમારી દાસી સમજજો, એમાં જ મને સુખ છે. એથી વધારે સુખ કે અધિકાર આપવા જશો તો હું વધારે દુઃખી થઈશ.”

નરેન્દ્ર સાચ્ચા દિલથી જમનાને અનુકૂળ થવાનો નિશ્ચય કરી ‘ભલે’ કહી ઊઠવા જતો હતો, તેના આભારમાં જમનાએ તેના પગને તળિયે ચુંબન કર્યું. એ ચુંબનમાં પણ નરેન્દ્રને ભવિષ્યની આશા દેખાઈ ને તે કાંઈ પણ વિશેષ પૂછ્યા વિના પોતાની પથારીમાં જઈ બેઠો. જમનાએ વચલું બારણું બંધ કર્યું.