પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
ઇન્દુ


નરેન્દ્રને એ જ મ્યુનિસિપાલિટીમાં જેલ પહેલાં જે નોકરી મળવાની હતી તે મળી. જમનાને ઇન્દુ ન સાંભરે માટે તે બીજા લત્તામાં રહેવા ગયો. તેનું બધું કામ બરાબર આગળ ચાલવા લાગ્યું. પણ જમનામાં તેણે કશો ફેરફાર જોયો નહિ. એની એ યાતના, એનો એ શાન્ત નિઃશબ્દ સંતાપ, એનું એ નિરવધિ દુ:ખ, એની એ હેતુ પ્રયોજન ન સમજાય તેવી કસોટી ! આપણે એ દુઃખોની વિગત નહિ જોઈએ. માત્ર પાંચ છ મહિને નરેન્દ્રે વીરેન્દ્રને ખાનગી કાગળ લખ્યો તે જ જોઈએ :

પ્રિય ભાઈ વીરેન્દ્ર

ઘણી અવઢવ પછી આ પત્ર તને લખું છું. મને મારી મૂંઝવણ કે દુ:ખ કોઈને કહેવાં ગમતાં નથી. એને એક મનની નબળાઈ માનું છું. એટલું જ નહિ, એ બીજાને કહીને તેને નિરર્થકદુઃખી કરવા બરાબર સમજુ છું. પણ ઘણીવાર કોઈ વાતનો સાદો ખુલાસો પણ એક માણસ ન કરે તે બીજા તરત કરી શકે છે, એમ ધારી આ તને લખી જોઉં છું.

જેલમાંથી પાછા આવ્યો ત્યારથી જમનાનું માનસ તદ્દન ફરી ગયું લાગે છે. તેનો મારા પ્રત્યેનો પ્રેમ તો એનો એ જણાય છે. પણ ન સમજાય તેવા કારણે મારી સાથે પતિપત્નીના સંબંધ રાખતી નથી. હઠપૂર્વક તે પોતાના સર્વ પ્રેમાળ ભાવો દાબી રાખે છે. તેને મારા તરફથી અજાણતાં પણ કોઇ અન્યાય કે અસંતોષ થયો હોય એવો સાચોખોટો ભાસ પણ તેનામાં જણાતો નથી. એ વિકલ્પ જ શક્ય નથી, પૂછતાં કહે છે કે તે મારી દાસી થઈ ને રહેવાને યોગ્ય છે. અને ખરેખર ભીષણ આગ્રહથી દાસી જ થઈને રહે છે. કોઈ હાસ્ય, કોઈ મર્મ, કોઈ પ્રેમ, કોઈ આવેશ, કોઈ પરિસ્થિતિ તેને તેના આવેગમાંથી ખસેડી શકતી નથી. તમે તો મારા નિકટના સ્નેહી છો. અમારા પ્રેમના સાક્ષી છો. એટલે ખાનગી વાત પણ તમને કહેવામાં વાંધો નથી. મેં તેને કહ્યું તારે દાસી થઈ રહેવું હોય તો ભલે રહે પણ મારાથી તેના