પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
દ્વિરેફની વાતો.


સમાનતાના પ્રેમ સિવાય નથી રહી શકાતું તેનું કેમ ? તો કહે, તમારા પ્રેમની અધિકારી કોઈ બીજી સ્ત્રીને લાવો. હું તમારી બન્નેની દાસી થઈને રહીશ. તેમાં મને સુખ મળશે, એવું બીજા કશામાં નહિ મળે. અને એટલી ગંભીરતાથી બોલે છે કે હાસ્યથી પણ તેનો પ્રતિકાર કરવાની હિંમત ચાલતી નથી. ગત ઇન્દુની તો તે વાત પણ નથી કરતી. તેવી વાતમાં પણ તે મારા તરફથી કોઈ પણ સાન્ત્વન સ્વીકારવા ઉન્મુખ થતી નથી. જાણે પ્રેમનાં સર્વ બારીબારણાં બંધ રાખી બેસવા માગતી હોય, તેવી રીતે ચાવીસે કલાક બેસી રહે છે. આપણે સાથે હતા ત્યારે અમે ઘણી વાર તમારી મશ્કરી કરતાં, તમારે માટે પત્ની શોધી લાવવાની તે ઘણી વાર વાત કરતી. એવાં ભૂતકાળનાં સંસ્મરણોથી તેનો જીવ ફરી તાજો કરવા મેં પ્રયત્ન કરી જોયો, તો તેનો શાન્ત વિરોધ કંઈક વધારે સખ્ત થાય છે, જરા પણ ઘટતો નથી. બહુ વાત કરતાં કહે કે મારી પાસે બીજા પુરુષોની વાત ન કરો, મેં મશ્કરીમાં કહ્યું, તું તો પહેલા પુરુષની વાત પણ ક્યાં સાંભળે છે ? તો કહે, હા, ખરૂં છે. મારે કોઈ પુરુષ સાથે સંબંધ રાખવો નથી. અને ખરે જ, મિત્રો મળવા આવે ત્યારે સાથે આવી બેસતી પણ નથી !

વધારે મનાવવા જતાં, તેના સુખનો પ્રયત્ન કરતાં, તે એટલી દુઃખી થાય છે, કે એને ક્યાંક વધારે ગંભીર કંઈ થઈ જાય એવી મને દહેશત લાગે છે.

એનું દુઃખ જોતાં, એ કાંઈ કલ્પી લીધેલું દુઃખ જણાતું નથી. એ ઘેલછાથી બદલાઈ ગઈ હોય એવી જણાતી નથી, એ એની એ છે. પણ કોઈ ફૂલમાં કુદરતના કોપથી અગ્નિ પ્રગટે, ફૂલ રહ્યું રહ્યું એ અગ્નિથી દાઝે ને અડવા જતાં અન્યને દઝાડે, એવું થઈ ગયું લાગે છે. મને બીજું દુઃખ થતું નથી, હું તેના દુ:ખમાં ભાગ તો લઈ શકતો નથી પણ તે સમજી પણ શકતો નથી. હવે તો આ નહિ સમજવાથી થતું દુઃખ સમજવાથી થતા કોઈ પણ દુઃખ કરતાં વધારે અસહ્ય થઈ પડ્યું છે.