તું અહીં હોત તો કદાચ આ સમજી શકત. પણ દૂર રહ્યો રહ્યો તો આવી વિચિત્ર સ્થિતિ સમજી તું કલ્પી પણ ભાગ્યે જ શકીશ. એ વિચાર આવતાં આ કાગળ લખી તને નિરર્થક શાને દુ:ખી કરવો એમ પણ વિચાર આવે છે. અને છતાં, આ કાગળ લખું છું. એ એક નબળાઈ છે. પણ અંદર રહેલી નબળાઈ ક્યાંક પણ માર્ગ માગે છે અને તે માર્ગ સ્વાભાવિક રીતે તારા તરફ જ જાય છે.
બસ. હવે પત્ર વાંચી દુઃખી થતો નહિ. માણસે પોતાનું પ્રારબ્ધ પોતે જ ભોગવવું જોઈએ. અને હું માનું છું કે હું તે ભોગવવાને સમર્થ થઈશ જ.
નરેન્દ્ર
પત્ર વીરેન્દ્રે વાંચ્યો. ઘડીક તેને બધી વાત લખી જણાવવાની ઇચ્છા થઈ. પણ વળી વિરુદ્ધના વિચારો આવ્યા. ‘જમના જાતે જણાવતી નથી અને પોતાથી જણાવાય ? તેમ કરવાથી જમનાની શી સ્થિતિ થાય ? વખત જતાં જમનાનો પશ્ચાત્તાપ એની મેળે શમી જશે. ને પછી તો બંને વચ્ચે મેળ થતાં વાર નહિ જ લાગે. ને જમનાને નરેન્દ્ર માટે લાગણી તો છે જ અને પોતે સાચી હકીકત કહે તો ઊલટું એ સમાધાનમાં સાચી હકીકત વિઘ્નરૂપ થાય !’ અનેક વિચારો કરીને તેણે સાચી હકીકત કહેવાનો વિચાર બંધ રાખ્યો. અને માત્ર સમભાવનો અને ધીરજનોને કાગળ જવાબમાં લખ્યો. પણ આ પત્ર પછી નરેન્દ્રને
માટે તેને સાચી ચિંતા થવા માંડી. ભૂતના કૃત્યનો વિચાર કરતાં જમનાએ આદરેલું પ્રાયશ્ચિત્ત જોતાં તેને પણ આ કુટુંબ અને નવા ઇન્દુ તરફના પોતાના કર્તવ્યનું મંથન થવા માંડ્યું.
બારેક માસ પછી નરેન્દ્રને વીરેન્દ્ર તરફથી ઑફિસને સરનામે એક લાંબો સીલ કરેલો પત્ર મળ્યો. તેની તારીખ ચારેક માસ ઉપરની હતી. તેમાં તેણે બધી બનેલી હકીકતનો એકરાર કર્યો હતો. આખા