પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯
કંકુડી ને કાનિયો.

વાતો કહી. પહેલાં તેમનું ઘર સુખી હતું. તેના દાદાએ વાસમાં કૂઈ કરાવેલી. જીવા દાદાની કૂઈએથી વાસનાં માણસોએ ઘણાં વરસ પાણી ભર્યું. અત્યારે તો એ કૂઈ પુરાઈ ગઈ છે. તેમની નાનમ પડી, ઘર ખોરડાં વાડા બધું તણાઈ ગયું, વગેરે અનેક વાતો થઈ. એ વાતોમાંથી જ બન્નેને એક નવું સૂઝ્યું: દેશમાં જઈ એક કૂઈ કરાવવી.

બન્ને એક દૂરના ઘરડા સગાને ત્યાં ઊતર્યા. શહેરમાંથી પરણીને કમાઈને આવેલા કાનિયાને જોવા વાસનાં સૌ લોક ભેગાં થયાં ને જ્યારે કાનિયાએ કૂઈ કરાવવાની વાત કરી ત્યારે લોકોના આશ્ચર્યનો પાર ન રહ્યો !

કાનિયાના પૈસાથી અને વાસની મજૂરીથી થોડા દિવસોમાં કૂઈ તૈયાર થઈ ગઈ. કાનિયાએ શાહુકારના કૂવા જેવો, ઉપર કઠેરો કરાવ્યો ને ફરતી ગરેડીઓ મૂકાવી. બધું તૈયાર થયે બ્રાહ્મણને દક્ષણા આપી વાસને જમાડ્યો, ને વાસના ઘરડેરાએ કાનિયાને પાધડી બંધાવી !

એક દિવસ બૈરાં પાણી ભરતાં હતાં ત્યાં કાનિયો જઇ ચડ્યો. બૈરાંએ મશ્કરીમાં કાનિયાને કહ્યું: “અલ્યા, આ કૂઈને કાનિયાની કૂઈ કહીએ ને !”

કાનિયાએ હસીને કહ્યું: “ના, ના, કંકુડીની કૂઈ કહેજો ને !”

‘કંકૂડીની કૂઈ’ એ શબ્દો બધાંને એટલા બધા ગોઠી ગયા કે બધાં હસી પડ્યાં, કંકુ પણ પાણી ભરતી હતી, તેની પાડોશણે ‘લે અલી’ કહી કંકુને બરડે ધબ્બો માર્યો. ખરેખર કશા પણ નામકરણવિધિ, કે લેખ વિના એ કૂઈનું નામ ‘કંકુડીની કૂઈ’ છપાઈ ગયું.

થોડું દેશમાં રહી, કાનિયો ને કંકુ પાછાં શહેરમાં આવ્યાં. વરસેકમાં કંકુને છોકરો આવ્યો. કંકુની માએ એ કૂઇના પુણ્યનું ફળ ગણ્યું, ને વાસના લોકોએ છોકરાનું નામ જીવલો પાડ્યું. જીવલો