પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
દ્વિરેફની વાતો.

ફેરવવા જેવો થયો એટલે જીવલાને લઈ કંકુ કાનિયા સાથે રેંકડી ફેરવવા જવા માંડી.

એક દિવસ બપોરનો ધોમ ધખતો હતો. મજૂરીથી થાકીને સડકથી ઊતરીને એક ઝાડ હતું તેને છાંયે રેંકડી ઉપર કંકુ છોકરાને ધવરાવતી ઊંઘી ગઇ હતી. મોળિયાનું ઓશીકું કરીને જમીન ઉપર કાનિયો લાંબો થઈ પડ્યો હતો. ઊંઘમાંથી જાગીને તેણે જોયું તો તડડો ફરતો ફરતો કંકુ ઉપર આવવા થયો હતો. તેણે ધીમેથી રેંકડી ફેરવી કંકુ ઉપર છાંયો કર્યો.

અમેરિકાથી કેટલાંક મુસાફરો હિંદુસ્તાન જોવા આવેલાં તે આ દૃશ્ય જોઈ રહ્યાં, તે તેમનામાંથી કોઈએ ડાયરીમાં કાંઈક લખી લીધું !