પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩
પેાતાનો દાખલો.


સિદ્ધાન્ત વચમાં લાવવાનો ?’ ‘હાસ્તો, સિદ્ધાન્ત વિના જીવન શા કામનું ?’ આ....એ તો એમ જ લડી પડ્યાં ! મેં પછી પ્રબોધને કહ્યું, અલ્યા એકવાર સિનેમા જોવા ગયો હોત તો શું બગડી જાત ? ત્યારે કહે, જીવનમાં એવા તો અનેક પ્રસંગો આવે, તે બધી વખતે હું મારો સિદ્ધાન્ત કેમ છોડું ? મેં કહ્યું, વળી એવા પ્રસંગો શા આવવાના હતા ? તો કહે, કેમ ! પૈસાની તાણના પ્રસંગો તો પાર વિનાના આવે ! અને નવાઈની વાત ! પછી બન્ને જણાં માબાપે સગાઈ કરેલ સાથે પરણી ગયાં ને અત્યારે બન્ને જોડાં સુખી છે. કોઈને સિનેમા એ આડો નથી આવતો ને સિદ્ધાન્તે આડો નથી આવતો !”

વ્યંકટેશ: “એ પ્રેમ જ પૂરો પક્વ નહિ થયેલો ! પ્રેમને માટે જે સ્વભાવસંવાદ આવશ્યક છે, તે પૂરો નહિ. જ્યાંથી સંવાદ અટક્યો, ત્યાંથી પ્રેમ અટક્યો !”

પ્રજ્ઞેશે જરા આકળા થઈ જઈને કહ્યું: “જો સમજતા હો, તો આ તર્કદોષ છે. હું જ્યાં જ્યાં પ્રેમ બંધ પડવાના દાખલા આપીશ ત્યાં ત્યાં તમે એમ જ કહેવાના કે એ પ્રેમ પૂરો સંવાદી નહિ. એનો એક જ અર્થ કે તમારે કોઈ દાખલો સ્વીકારવો નથી.”

વ્યંકટેશ : “અને આ દાખલામાં બીજી મુશ્કેલી એ છે, કે દાખલો નૉર્મલ હોવો જોઈએ. એ પ્રબોધ વિમલા કદાચ નૉર્મલ જ ન હોય !”

પ્રજ્ઞેશે કહ્યું : “દાખલા ન સ્વીકારવાનું આ બીજું બહાનું ! તમે લોકો નૉર્મલની વાતો કરો છો, પણ વેદાન્તના વન્ધ્યાપુત્રની પેઠે નૉર્મલ ટાઇપનું અસ્તિત્વ કોને કહો છો ?”

વ્યંકટેશ : “દાખલા તરીકે હું તમને નૉર્મલ ગણું છું.”

પ્રજ્ઞેશે કહ્યું : “હા, તો હું મારો પોતાનો દાખલો આપું, પછી કાંઈ !”