લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
દ્વિરેફની વાતો.

ઉર્વશી પ્રતિભાશાળી હતી. તેણે કહ્યું કે ‘તારા પ્રેમ ખાતર મેં નાટક સિનેમા જોવાં છોડી દીધાં છે.’ મેં પણ પછી છોડી દીધાં. પણ આ નવો માર્ગ જડ્યા પછી અમે એકે એકે કેરી, દહીં, આગળ જતાં સાકર, અને છેવટે દૂધ પણ છોડી દીધું. મારી પત્નીનો સંતાપ વધવા માંડ્યો. તે દૂબળી પડવા માંડી. હું પણ દૂબળો પડવા માંડ્યો હતો. પણ તેથી અમારા પ્રેમને સંતોષ મળવા માંડ્યો. અમારા પ્રેમનાં પરિણામો અમારામાં અને બીજાંમાં દેખાવા માંડ્યાં ! ઉર્વશીએ મારી પત્નીને કદી જોઈ નહોતી, પણ એક અજ્ઞાત બાઈ ઉપર તટસ્થ રીતે મેળવેલા વિજયથી તે કૃતાર્થ થવા લાગી.

“એક દિવસ મુંબઈમાં એક પ્રખ્યાત હાથ જોનાર આવ્યો. આખા શહેરમાં તેની ખ્યાતિ હતી. વકીલો, ડૉક્ટરો, મિનિસ્ટરો, સટોડિયાઓ, બધા પુષ્કળ પૈસા આપીને તેની પાસે હાથ જોવરાવતા. ઉર્વશી મને કહે: ‘તું ત્રિવેણીને હાથ જોવરાવવા લઈ જા ને !’ મેં કહ્યું: ‘મારું અને તેનું નસીબ ક્યાં એક છે કે તેનો હાથ જોવરાવું ?’ ઉર્વશી કહે: ‘તું તો સમજતો નથી. લઈ તો જા ! એને લગ્નસુખ કેવું છે, આયુષ્ય કેટલું છે એ બધું પૂછ તો ખરો. એ તો જે થવાનું હશે તે થશે, પણ કંઈક ખબર તો પડશે.’ મેં કહ્યું: ‘પણ મારે કહ્યે એ આવશે શેની?’ તે કહેઃ ‘એક જરા પ્રેમ બતાવજે ને, એટલે બધાની હા પાડી દેશે. એ તે ટાંપી જ રહી હશે.’ અને ત્રિવેણીના માનસની લઘુતાના અમે બાંધેલા ખ્યાલથી અમે બન્ને હસ્યાં !

“અને ઉર્વશીની વાત અક્ષરશઃ સાચી પડી. ત્રિવેણીને લઈ ને હું હાથ જોનારને ત્યાં ગયો. એ માણસે બતાવેલી ખુરશી પર એ બેઠી અને નવા અનુભવના ઉપસ્થિત થયેલા પ્રસંગનો વિચાર કરતાં મારા સામું જોઈ જરા હસી. મને એ માણસે પૂછ્યું: ‘તમારે શું જોવરાવવું છે?’ મે કહ્યું: ‘તેનું લગ્નસુખ કેવું છે, તેનું આયુષ્ય કેવું છે?’ અને ત્રિવેણી ફરી હસી. તે એકીટસે મારા સામું જોઈ રહી