પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
દ્વિરેફની વાતો.

પ્રયત્ન અમે જોઈ શક્યા. તે એક બે વાર ‘પણ’ ‘પણ’ બોલ્યો તે સાથે તેણે ખોંખારા કર્યાં. અમે સમજી ગયા કે આ ‘પણ પણ’માં અને ખોંખારામાં વાર્તાનો અત્યંત કોમળ ભાગ લુપ્ત થાય છે, પણ એ પૂછવાની અમારી કોઈની હિંમત ચાલી નહિ. તેણે આગળ વાત ચલાવીઃ

“મને મારી ક્રૂરતા સમજાઈ, તમને લાગણીવેડા કે નીતિવેડા લાગશે, પણ થોડા જ માસ પહેલાં અમારા પાડોશના એક માણસે બૈરીને સળગાવી મારી નાંખેલી તે મને યાદ આવ્યું.” મોં પર હાથ ફેરવી તેણે ફરી કહેવા માંડ્યું: “મારી સારવારથી તે તરત સારી થઈ ને તે મારા ભાવનો ફેરફાર તરત સમજી ગઈ, સાતમે દિવસે તો તેણે મારી ના છતાં રાંધ્યું. તેણે પીરસ્યું ને હું જમ્યો તે તો તેને મન એક ઉત્સવ હતો ! મારા અભાવમાં જેમ તેણે કદી કુતૂહલ બતાવ્યું નહોતું, તેમ હવે મારા સદ્‌ભાવમાં પણ તેણે કશું મને પૂછ્યું નહિ. પણ એક રાતે મેં જ તેને બધી વાત કરી. કારણકે તેનો પ્રસંગ આવેલો હતો. થોડા દિવસથી હું ઉર્વશીને મળ્યો નહોતો એટલે એનો પત્ર આવ્યો હતો. મેં તેને અમુક દિવસે સવારે મળવાનો અને બધી વાત રૂબરૂ કહેવાનો જવાબ લખ્યો હતો. તેને મળવાની સવારની આગલી રાતે મેં ત્રિવેણીને બધી વાત કરી. ને છેવટે કહ્યું: “હવે કાલે સવારે જઈને તેને મારે કહી દેવું છે કે એ સબંધ હવે આટલેથી પૂરો થયો છે. મારે તેને સ્પષ્ટ કહી દેવું છે.” એમ કહ્યું ત્યારે એના મોંમાંથી ‘બિચ્ચારી !’ એટલું નીકળી ગયું.

“સવારે હું નીકળ્યો. વાત કરી નાંખવાનો નિશ્ચય હતો, પણ કેમ વાત કરવી તેનો ઉપાય સૂઝતો નહોતો, હું વિચારમાં ને વિચારમાં આગળ જતો હતો ત્યાં પુલ ઊતરતાં તે સામે મળી. ઠેઠ મારી સામે આવીને ઊભી ત્યારે જ મેં તેને જોઈ. અમે મળ્યાં એ જ વખતે એક પારસણ ઠસ્સાદાર વેષમાં અમને વટાવીને પસાર થઈ, અને ઉર્વશીએ મારા સામે જોઈ, જરા સ્મિત કરીને હોઠ મરડ્યો.