“ત્યારે રિસાઈ હો તા તારા પટેલને બોલાવું. તને મનાવીને લઈ જાય. તારા જેવી બાઈ તો ઘરમાં કેવી શોભે !”
“અરે, એ તો હું કહું એટલું કરીને લઈ જાય એમ છે. પાડી લઈને આવી, એને ખબર પડી, મને તેડવા આવ્યો, ને કહે શહેરમાંથી કહે એ લૂગડાં ને ઘરેણાં લઈ દઉં હાલ્ય, બસેં રૂપિયા બાંધીને આવ્યો છું. હાલ્ય જાણે શહેરમાં માલ લેવા આવ્યાં’તાં. તને ગમશે એમ રાખીશ. પણ મેં જ ના પાડી.”
મને બહુ આશ્ચર્ય થયું. બાઈને પટેલ માટે ભાવ હતો, સ્નેહ હતો, એ હું જોઈ શકતી હતી. અને છતાં આ બાઈ આટલી ઉંમરે એકલી રહેવા નીકળી આવી! મને તે સમજાયું નહિ. મારું કુતૂહલ વધ્યું. “ત્યારે કેમ આવી કહે મારા સમ ન કહે તો !”
જીવી બોલી : “બહેન એવા સમ શા સારુ દેતાં હશો? તમ જેવાં નસીબદારને મારે શું કહેવું?”
“ના જો, મારા સમ દીધા ને ! મને કહે.”
“જુઓ બેન ! હું ઘરડી થઈ. હવે મને છોકરાં થાય એ ખમાતું નથી. એટલે આ છેલ્લી છોકરીને લઈને ચાલી નીકળી.”
“પણ એવું હોય તો તને છોકરાં ન થાય એવું કરાવી આપું. હવે આ મોટાં મોટાં માણસો એવું કરે છે, જોતી નથી ? આ દેસાઈ સાહેબ. ત્રણ છોકરાં છે. નાનું છોકરું આઠ વરસનું થયું, પણ તે પછી છોકરાં નથી !”
“પણ બહેન, મારે તો સંસાર વહેવાર જ નથી જોઈતો. હું ધરાઈ રહી છું. હું ઘરડી થઈ ને એ તો એવો ને એવો જુવાન રહ્યો ! હું વીસ વરસની આવી ને હતો, એવો ને એવો છે. મૂઈ હું મરી એ ન ગઈ, નહિ તો એ એની મેળે જુવાન બૈરી લાવત ને એના બધા કોડ પૂરા થાત. પણ બહેન, હવે આ ઘરડા શરીરે, એક જરા