પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩
સૌભાગ્યવતી ! !


ગઈ ત્યારે પછી નાઠી! નહિતર, ઘર ખેતર, વહેવાર વભો,[૧] છોકરાં છૈયાં, બધું છોડીને કોઈને જવું ગમે? તે ગામમાં તો અમારી બેઇની કેવી આબરૂ ! હું અખોવન,[૨] તે નવી વહુઓ તે બધી મને પગે લાગવા આવે. ભગવાને મને બધી રીતે સુખ આપ્યું. પણ છેવટે આ એક વાતથી હું થાકીને હારીને નાઠી ! ”

હું તો આ બાઈની વાત સાંભળીને તેના સામે જ જોઈ રહી ! મને તેના તરફ ખૂબ માન થયું. તેની હિંમત, સમજણ, ડહાપણ ! થોડી વાર રહી મેં કહ્યું : “અલી, તારી જબરી હિંમત. તને એકલાં એકલાં ખાશું શું એવી ફિકર ન થઈ?”

“ના બહેન ! અમે ક્યાં તમારા જેવાં નસીબદાર છીએ, તે એવો વિચાર આવે. કામ કરીએ તો રોટલો તો મળી રહે. તમ જેવાં મળી જ રહ્યાં ના ! અમારામાં એક ભેંશ ઉપર તો રાંડીરાંડ જન્મારો કાઢે ! તો મારે તો શું છે? એક છોકરી છે તે મોટી કરીને સારી રીતે પરણાવીશ. અમે તો મહેનતુ વર્ણ તે કામ કરીને અમારું ફોડી લઈએ !”

અત્યાર સુધી મલ્લિકા શાંત બેઠી હતી તે બોલી : “અરે બાઈ, તું જ સાચી નસીબદાર છે, તે આમ છૂટી શકી, અને અમે નસીબદાર ગણાઈએ છીએ, તે જ અભાગિયાં છીએ. અમારા જેવાંને આવું હોય તો અમે શી રીતે છૂટી શકીએ, કહે જોઈએ.”

જીવીએ કહ્યું: “બહેન, એવું તમારા જેવાં નસીબદારને હોય જ નહિ. એ તો અમે ભણ્યા ગણ્યા વગરનાં, કશું સમજીએ નહિ, અમારો તે કાંઈ અવતાર છે. લ્યો, પણ હવે બેસો; બળી ખાઓ, છેવટે ટાઢી તો થઈ જ ગઈ. અમારા જેવાંની વાતમાં નકામો તમને

ઉદવેગ થયો.”


  1. ૧. વૈભવ.
  2. ર. જે સ્ત્રીનું એક પણ બાળક મર્યું ન હોય તેને ‘અખોવન’ કહે છે.