પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
દ્વિરેફની વાતો.

“એને મલ્લિકા વિશે ખરાબ નહિ લાગે ?” મને કહ્યું : “અમે ડોક્ટરો તો ગમે તે વાતમાંથી ગમે તે વાત કરી શકીએ. હું તો એને છોકરાં નથી એ વાતમાંથી પણ તે વાત કાઢી શકું.”

પછી એમણે વાત તો કરી પણ મલ્લિકાને મેં વધારે સુખી કોઈ દિવસ જોઈ નહિ. આઠેક મહિને એમની બદલી થઈ ત્યારે મલ્લિકા મને મળવા આવી. મારી પાસે પોસપોસ આંસુ રોઈ. મને કહેઃ “હવે ઝાઝું નહિ જીવી શકું. કદાચ તમને કાગળ ન લખી શકું, પણ મરતાં તમને સંભારતી મરીશ એમ માનજો.” મને થયું માણસની ધ્રુવી નિરાધારતા છે? અમે કે કોઈ એને કશી જ મદદ ન કરી શકીએ !

અને વરસેકમાં તેણે પોતાના જીવનનો અંત આણ્યો. વિનોદરાય ડિસ્ટ્રિક્ટમાં હતા ને એ મરી ગઈ. તેના મરણના ખબર આવ્યા ત્યારે અમારાં ઓળખીતાં મારે ઘેર આવ્યાં. અને મારે મોઢે ખરખરો કરવા લાગ્યાં. બધાં કહેતાં હતાંઃ ‘કેવી રૂપાળી !’ ‘કેવી નમણી !’ ‘કેવી ભાગ્યશાળી !’ ‘ એને જોઈએ ને સૌભાગ્યવતી સ્ત્રીનો ખ્યાલ આપણને આવે !’ ‘ને સૌભાગ્યવતી જ મરી ગઈ !’

મને મનમાં થયું: “ સૌભાગ્યવતી ! !”