પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
દ્વિરેફની વાતો.


રાજારામ ગામમાં ગુજરાતી સાતે ધોરણ ભણી રહ્યો ને બધામાં પહેલો નંબર હોવાથી તેને બે રૂપિયાની માસ્તરગીરી મળી. આનો બધો જશ, અલબત, જીવરામ લઈ જતો. નાતમાં બધા માણસો ગોઠણે ફાળિયાં બાંધી બેઠા હોય, ને રાજારામ તો અજવાળિયામાં ગેડીદડા રમવા ગયો હોય, ત્યારે જીવરામ વાતવાતમાં સૌને કહેતો કે જુઓને કશાયની ફિકર છે? આ રમતો ફરે છે ! નથી વહુની ફિકર, નથી ગરાસની ચિંતા । નથી યજમાનની સમજણ ! મેં તો કેટલી સિફારસ કરીને માસ્તરની નોકરી અપાવી છે, પણ તેનું ય અને કાંઈ નથી.

બેત્રણ વરસ પછી રાજારામનો પગાર વધીને ત્રણ રૂપિયા થયો !

અદાવડની આસપાસ પુષ્કળ કળણો હતાં, તેનાથી થોડે દૂર દરિયાની ખાડી હતી, અને અદાવડની સીમમાં જો પૂલ કરી રેલવે લાઈનને શહેર સુધી લઈ જવાય તો ત્યાં બંદર ખોલી શકાય એમ હતું. ત્યાં પૂલ થઈ શકે કે નહિ, ને થાય તો કેટલો ખરચ થાય તેની તપાસ કરવા એક ગોરા સાહેબ ને તેનો કારકૂન ત્યાં આવેલા. ફરતાં ફરતાં ગોરા સાહેબને ઇચ્છા થઈ ને તે એ ગામની નિશાળ જોવા આવ્યો. ગોરાએ કેટલાક દાખલા પૂછ્યા તે રાજારામે એટલી ઝડપથી તેના જવાબો આપ્યા કે ગોરો સાહેબ ખુશ ખુશ થઈ ગયો, ને રાજારામને પોતાની ઑફિસમાં પચીસ રૂપિયાની જગા આપવાની ઇચ્છા દર્શાવી. રાજારામે તરત હા પાડી. ગામ આખામાં ઘડીમાં વાત ફેલાઈ ગઈ! ગોરો સાહેબ પોતે રાખવાનું કહે એ તો શા સરખી વાત ! અને પચ્ચીસ રૂપિયા ! આખા ગામમાં વાહવાહ કહેવાઈ ગઈ ! પણ રાજારામને એકદમ પચીસ રૂપિયાની નોકરી થાય તે જીવરામથી ખમાયું નહિ. તેણે નોકરી લેવામાં અનેક મુશ્કેલી દેખાડી. “શહેરમાં ક્યાં રહેશે ! આપણે ત્યાંથી ગામ છોડીને જે