પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વિજય માટેની યાતનામાં ન્યાય પણ નથી. ‘ઇન્દુ’ના સ્ખલનનાં બે ભાગીદારોમાંથી સ્ત્રી જ યાતના ભોગવે છે, તેનો પુરુષભાગીદાર તો માત્ર વત્તુઓછું એ દુઃખના સાક્ષી થવાનું દુઃખ જ ભોગવે છે. પણ એવા સાક્ષિત્વનું દુઃખ પણ, ભયંકર રૂપનું અને અત્યંત મર્મભેદક, એ નાયિકાનો નિર્દોષ પતિ ભોગવે છે. તેમ જ ‘પાતાનો દાખલો’માં પણ મિથ્યા પ્રેમમાં મહાલનારાં ઘણું ઓછું, અને દેહમનને શેકી નાંખે એવું દુઃખ, પોતાનો દાખલો કહેનાર પાત્રની પત્ની ભાગવે છે, અહીં ન્યાય નથી એમ કહેવા કરતાં પણ આ પ્રક્રિયામાં ન્યાયનું દૃષ્ટિબિન્દુ અસ્થાને છે એમ કહેવું વધારે યોગ્ય છે,—કહો કે એ કોઈક આધ્યાત્મિક વ્યાપાર છે. માનવ જાતનાં ઘણાં દુઃખો આમ આધ્યાત્મિક હોય છે. એ દુઃખમાંથી જાણે કોઈ બલ ઉદ્ભવે છે, જે એ વસ્તુસ્થિતિને સરખી કરી નાંખે છે. ગરડમાંથી ખસી ગયેલુ દોરડું જેમ જરા આંચકો કે ધક્કો લાગવાથી પાછું ગરડમાં આવી જાય છે, ઊતરી ગયેલા હાડકાને જેમ ઉસ્તાદ એક જ ધક્કાથી પાછું ચડાવી દે છે, તેમ પારકામાં થતા દુઃખના આવા એક આઘાતથી, જાણે ખડી ગયેલું, ઊતરી પડેલું માનસ પાછું ઠેકાણે આવી જાય છે. આને જ હું મહાત્માજીને અભિપ્રેત હૃદયપલટો સમજું છું, જો કે મહાત્માજી જે વિશાલ જનસમુદાય પર એની અસર ઇચ્છે છે તે દૃષ્ટિ અહીં નથી.

બીજી વાર્તાઓમાં તો અનિષ્ટ ઉપર કશું ઢાંકણ પણ નથી. ‘સૌભાગ્યવતી !!’ માં પતિનું જીવન પ્રેમમય રસમય આનંદમય કરી શકે એવી પત્નીને પતિની પશુતા સહન કરવી પડે છે. જેને સામાન્ય લોકો સૌભાગ્ય કહે છે તે તેના જીવનમાં શાપરૂપ છે, એના જીવનની મોટામાં મોટી વિડંબના છે! મે પહેલાં એક જગાએ કહ્યું છે તે ફરીવાર કહેવાનું મન થાય છે કે જગતની યોજનામાં જાણે સ્ત્રીને ભાગ વધારે દુઃખ આવેલું છે,—સમસ્ત જીવનમાં નહિ તો જીવનના અમુક એક પ્રદેશમાં તો ખરું જ!