પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩
બે ભાઈઓ.

પણ આ ભયંકર બનાવનું માત્ર સાક્ષીપણું પણ તે પેલી ધરતીની પેઠે ઠંડે પેટે ગળી જઈ શક્યો નહિ, તેનું હૃદય કે જીવન એટલી વાતને અંદર સમાવી શક્યું નહિ. તે એકદમ ગભરાઈ ગયો. એ ઠંડી સ્થિર પૃથ્વી તેને ઘડીભર ડોલતી દેખાઈ ! એટલી વિશાલ પૃથ્વી અને એટલું વિશાલ આકાશ પણ તેના અંતરને ચારે બાજુથી ભીંસ દેતું તેને લાગ્યું. તેને કશું સૂઝ્યું નહિ. તે રડી પણ ન શક્યો. તેણે ચારે બાજુ જોયું પણ કોઈ માણસ તો શું પણ પશુ કે પક્ષી પણ તેને ધીરજ આપવા ત્યાં હાજર નહોતું. હિમ પડે ને ઊભી પાંગરેલી વનસ્પતિ જેમ મરી જાય તેમ તે ઘડીભર સ્તબ્ધ થઈ રહ્યો ! પછી એ સ્તબ્ધતાથી જ થોડી વારે થાકીને ઢોરની પેઠે કેવળ ઘરના આકર્ષણથી ચાલવા લાગ્યો !

ઘેર ગયો ત્યાં જીવરામ આંગણામાં ઊભો હતા. તેણે જયંતીને આવતો જોઈ કહ્યું: “કોણ જયંતી ? કેમ આટલું મોડું થયું ?” જયંતી એકદમ રડી પાડ્યો અને રડતા રડતા જીવરામને વળગી પડ્યો.

જયંતીના રડવાના ચિત્કારથી જીવરામ સમજી ગયો કે આમાં કાંઈક ભેદ છે. તે ભેદની વસ્તુ જાણ્યા વિના તે એનું સ્વરૂપ કળી ગયો કે એમાં એક બાજુ મોહન અને રાજારામનું કઈ અનિષ્ટ છે અને એમાં બીજી બાજુ જયંતીનો બચાવ કરવાની જરૂર છે. એક બાજુ તેની ઈર્ષ્યાવૃત્તિ સંતોષાઈ અને બીજી બાજુ તેની જયંતીનો બચાવ કરવાની સ્વાર્થ વૃત્તિ ઉત્તેજાઈ. પાણી સ્વાભાવિક રીતે પોતાનો રસ્તો શોધી કાઢે છે, એટલી જ સહેલાઈથી, જરા પણ ભાનપૂર્વક વિચાર કર્યાં વિના, તેના માનસે કાર્યદિશા નક્કી કરી નાખી, ધ્રૂશકે ધૂશકે રડતા જયંતીને છાતીમાં દબાવી તેણે તત્કાળ કહ્યું: “તેમાં રડે છે શું? મોહન ન ઊતર્યો? તે આજે નહિ નીકળ્યો હોય તો કાલે આવશે. તેમાં શું થઈ ગયું?” એટલામાં જીવરામની વહુ દયા