પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫
બે ભાઈઓ


તે જાણે કળણમાંથી બહાર નીકળી, મને કેમ ન કાઢ્યો, એમ ડોળા કાઢી ડરાવતો દેખાતો, ને કોઇવાર જાણે તેને પોતાને મોહન કળણમાં ઊંડે ઊંડે ખેંચી જતો હોય એવો આભાસ થતો હતો. રાતે બે ત્રણ વાર તો ગભરામણમાં રડતો રડતો જાગી ગયો, અને ત્યારે જીવરામે તેને વધારે સાન્ત્વન આપવા પોતાની વધારે ઊંડી ફિલસૂફીનું રહસ્ય રાતના એકાંતમાં સમજાવ્યું: “એમ પારકાંની ચિંતામાં રોઈએ નહિ ! દુનિયાં છે, કંઈ કંઈ બને, ને એમ બીજાંને દુ:ખે દુ:ખી થઈએ તો આરો ન આવે. આપણે આપણી મેળે આપણું સંભાળીને બેસીએ.” આ બધું તેણે સત્યના અને સ્વાર્થના એટલા આવેશથી કહ્યું કે જયંતીને ખાનગી વાત કરવાનો વિચાર આવ્યા પહેલાં જ અટકી જાય.

બીજે દિવસે જીવરામ નિશાળના માસ્તરને ત્યાં પોસ્ટકાર્ડ લેવા નીકળ્યો ને જતાં રસ્તામાં જેટલા મળ્યા તેમને, અને નિશાળે જઈ માસ્તરને પણ, મોહન ન આવ્યાની, જયંતીના પોચા મનની ને રાજારામની અણસમજ, અવળાઈ, અશ્રદ્ધા વગેરેની વાતો કરી પોસ્ટકાર્ડ લીધું, પોસ્ટકાર્ડમાં લખ્યું કે ‘મોહન ઊતર્યો નથી, તે તમે નહિ મોકલ્યો હોય, તે હવે ક્યારે મોકલશો ને મોકલવાનો વિચાર ફેરવ્યો હોય તો તેમ લખશો; આજ હું પોતે સ્ટેશને જઈશ, ને ઊતરશે તો લેતો આવીશ, તેની ચિંતા કરશો નહિ, પણ જયંતીને બહુ ચિંતા થાય છે માટે કાગળ લખ્યો છે,’

તે દિવસે સ્ટેશન તરફના ગામમાં યજમાનવૃત્તિને અંગે જવાનું હતું એટલે પાછાં ફરતાં તે ટ્રેન ઉપર થતો આવ્યો. આગલે દી ભાઈનો મોહન ઊતર્યો નહોતો એમ સ્ટેશન ઉપરના સાંધાવાળાને પૂછી ખાતરી કરતો આવ્યો. ને ઘેર આવી ફરી જયંતીને ખભે હાથ દઈ સાન્ત્વન આપ્યું કે મોહન નહિ જ આવ્યો હોય.