પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
દ્વિરેફની વાતો


ત્રીજે દિવસે કાગળ કે તારથી પુછાવવાની રાહ જોયા વિના રાતના રાજારામ અને તેની પત્ની સંતોક, નાની સાત વરસની વસંતને લઈને આવ્યાં. તેઓ પણ સ્ટેશને સાંધાવાળાને પૂછતાં આવ્યાં હતાં. તેમને ઘરમાં પેસતાં જોઈ જીવરામ જરા આભો બની ગયો. સંતોક “હાય હાય ભાભીજી, મોહનનું શું થયું હશે ?” કહી દયાની છાતી ઉપર માથું નાખી મોટેથી રડી પડી. જયંતી પણ રડવા માંડ્યો. વસંતે કશું સમજ્યા વિના સાથે સાથે ભેંકડા તાણી રડવા માંડ્યું. જાણે હમણાં જ કોઈ મરી ગયું હોય તેવી રડારોળ સાંભળી ફળીનાં માણસો ઘરમાં ને બહાર એકઠાં થયાં, પણ એવું કશું બન્યું નથી, તેમ જ મોહનના પણ કશા નવા સમાચાર નથી જાણી ધીમે ધીમે વિખરાઈ ગયાં.

રાતે જમ્યા પછી એ ભાઈઓ ભેગા બેઠા. રાજારામે ખાતરીથી કહ્યું કે મોહનને પોતે જાતેજ સ્ટેશને બેસાડી આવ્યો હતો, અને બેસાર્યો ત્યારે તદ્દન સાજોસારો હતો. જીવરામે કહ્યું : “પણ સાંધાવાળાને પૂછ્યું તે પણ ઊતર્યાની ના કહે છે!” અને રાજારામે પણ એ વાતની હા કહી. છતાં રાજારામે કહ્યું: “પણ આપણે જયંતીને તો પૂછીએ ! અલ્યા જયંતી ! કહે જોઈએ, તેં મોહનને ઊતરતો નહિ જોયેલો ?” પણ જયંતી રડવા જ માંડ્યો. જીવરામે અત્યાર સુધી જે વાત કરી હતી, જે યોજના અને સૃષ્ટિ રચી હતી, તેમાં તેને બીજું કશું કહેવાનો અવકાશ જ રહ્યો નહોતો.

બીજે દિવસે રાજારામ અને જીવરામે રીતસર તપાસ શરૂ કરી. જયંતીને સાથે લીધેા. ‘તું કયે રસ્તે ગયો ને આવ્યો’ તે પૂછ્યું, પણ રસ્તા જ પડ્યા નહોતા ત્યાં જયંતી શું બતાવે, ને ત્રણ દિવસનાં જૂનાં પગલાં હોય તે પણ શી રીતે વરતાય ? અટકળે અટકળે બધે ફર્યા પણ કશો પત્તો લાગ્યો નહિ અને ધરતી તે