પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭
બે ભાઈઓ.

કાંઈ ઓછી જ બોલવાની હતી ? ધરતી બોલતી હોત તો માણસજાત માટે તેને શું શું કહેવાનું હોત !

ત્યાંથી જયંતીને ઘેર મોકલી બંને ભાઈ નજીકને મોટે સ્ટેશને ગયા. બધે તાર કર્યાં, વર્તમાનપત્રોમાં, લાગતાંવળગતાંમાં લખ્યું, વગેરે ઘણું કર્યું. સાંજે વળી ભેગાં થયાં ત્યારે સંતોકે લાજમાંથી કહ્યું: “માનો ન માનો જયંતીભાઈ કંઈક જાણે છે ને કહેતા નથી.” જયંતીની માએ તરત જવાબ આપ્યો: “વળી જાણવાનું શું હતું. જે છોકરો ઊતર્યો નથી, પછી એ શું જાણે? બિચારા મોહનની ચિંતામાં અરધો તો થઈ ગયો છે ? એને પાછો તમે વધારે સતાવશો માં!”

રાતે સંતોક કે રાજારામ કોઈને ઊંધ આવી નહિ. કશા પણ પુરાવા વિના બંનેને, ‘જયંતી જાણે છે, પણ કહેતો નથી.’ એ જ વહેમ ફરી ફરીને આવ્યો તે એની જ તેમણે વાત કરી.

બીજી બાજુ જયંતીનાં ફફડાટ, દુઃસ્વપ્ન હજી ચાલુ જ હતાં.

આમ ને આમ બે ત્રણ દિવસો ગયા. સંતોકે તો લગભગ ખાવા પીવાનું છોડી દીધું હતું. ગામ આખું આ જ વાત કરતું હતું. કોઈ કહે બાવા જમાતમાં લઈ ગયા. કોઈ કહે માબાપને ખોટું ભરમાવી ભાગી ગયો. કોઈ કહે પૈસા ચોરી નાસી ગયો. કોઈ કહે કાબુલી પકડી ગયા. કોઈ કહે અઘોરી બાવા ભેગા ધરાવવા લઈ ગયા.

એક દિવસ બૈરાં સાથે વાતો કરતાં સંતોકથી બોલાઈ જવાયું કે ભલે ને ગમે તેમ કહો પણ જયંતી જાણે છે ને કહેતો નથી. ને કોઈએ એમાં ટાપશી પૂરી. વાત ચણપણ ચણપણ થવા લાગી ને જીવરામના જાણવામાં આવ્યું એટલે તેની ઈર્ષ્યા અને સ્વાર્થ ફરી

સળવળ્યાં. એટલામાં બોલવાનો લાગ મળ્યો. એક વાર રાજારામે ફળીમાં કહ્યું કે મારી ઑફિસમાં એક જગા ખાલી છે. કોઈને