પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
દ્વિરેફની વાતો.


આવવું હોય તો આવો, ને રાજારામ જેટલું જ ભણેલો એક ગોવિંદ હતો તે તૈયાર થયો. ત્યારે પાછું જીવરામે પેાતાનું સર્વ ડહાપણ, ધાર્મિકપણું, પરોપકાર, સદ્‌વૃત્તિ એકઠાં કરી કહ્યું: “અલ્યા, મારું માને તો જવાની વાત ન કરીશ. આપણું ગામ છોડીને જાય છે તે કોઈ સુખી થતું નથી. આ અમારો દાખલો જોતો નથી ? જુવાનજોધ છોકરો જડતો નથી. એક આ પેટ પાપી છે તે ભરવું પડે છે, નહિતર મનમાં તો દુઃખનો કે પાર નથી. હું તો તારા ભલા સારુ ને નાતના ભલા સારું કહું છું. ઘેર અર્ધો રોટલો મળે તે વહેંચી ખાઈએ પણ માણુસની ખોટને પહોંચાતું નથી.” બીજું પણ બહું કહેવાનું તેને મન તો થઈ ગયું, પણ પ્રસંગના ઔચિત્યની તેનામાં કલાત્મક બુદ્ધિ હતી ! તેણે સંયમ રાખ્યો.

એક વાર જીવરામને અને દયાને બન્નેને યજમાનને ત્યાં જવાનું આવ્યું. રાજારામ માત્ર સંતોકના સાંત્વન ખાતર દૂરને સ્ટેશને ખબર કાઢવા જવાનો હતો અને સંતોકને સખત તાવ આવ્યો હતો એટલે કાકીની સંભાળ લેવા જયંતીને મૂકી સર્વ ગયાં. સંતોક મેડી ઉપર તેની હંમેશની જગાએ સૂતી હતી. જયંતી નીચે સૂતો હતો. સંતોકને તલ ફાટે એવો તાવ ધીક્યો જતો હતો અને ઊંધ નહોતી આવતી. રાત આખી મોહનના વિચાર કરી તે અરધી ગાંડી થઈ ગઈ હતી. છેવટે તેનાથી રહેવાયું નહિ ને રાતના અંધારામાં તે નીચે જયંતી સૂતો હતો ત્યાં ગઈ ને તેના હાથને બાઝી પડી. જયંતી તેના ધીકતા હાથના સ્પર્શથી બેબાકળો બની ગયો. બીકમાં તે બીકમાં તે ચીસ પણ પાડી શક્યો નહિ. તેના શરીરે શેદ વળવા લાગ્યા. ને સંતોક તો તેને વધારે વધારે વળગતી બોલવા જ લાગીઃ “મારા બેટા, તું સાચું કહે, મારા સમ, તું જાણછ ને કહેતો નથી. તારામાં ઇર્ષ્યા નથી, તારું મન ભોળું છે, જેવું હોય તેવું કહી દે. એ મરી ગયો હોય તો ય હું તને નહિ વઢું. એ ખબરથી મને નિરાંત