પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧
બે ભાઈઓ.

તે બીકથી ફફડી ઊઠતો અને લવરી કરતો. લવરીમાં પણ એની એ વાતો લવતો : “મોહન આવે છે, મોહન નથી ઊતર્યો, મોહન ક્યાં ગયો એની મને ખબર નથી. મોહન, મેં તને કંઈ કર્યું છે? પૂછી જુઓ મોહનને, એ આવ્યો! કાકી, મોહનને ના કહો.” વગેરે તે બોલતો.

રાજારામનું કુટુંબ હતું ત્યાં સુધી તેમની સામેના વિરોધના જોરે જીવરામના મનમાં એક પ્રકારનું બળ હતું. તેમના જતાં તે બળ બંધ પડ્યું. એમ થતાં તેને પોતાનું મન અત્યંત ભાર નીચે દબાયેલું લાગ્યું. મોહનનું શું થયું હતું તે તે જાણતો નહોતો, તેનું ગમે તેવું અનિષ્ટ થયું હોય પણ તેમાં તેનો કશો જ ભાગ નહોતો, પણ અત્યાર સુધી રાજારામની ઈર્ષ્યા કરેલી, તેનું બૂરું ચાહેલું, તે વૃત્તિએ છાનાંમાનાં મોહનના અનિષ્ટનું પૂરું કર્તૃત્વ ઓઢી લીધું હતું અને એ સઘળા બનાવના ભારથી જીવરામનું મન અસહ્ય મૂંઝવણ ભોગવતું હતું. તેમાંથી બચવા એ જ વૃત્તિઓને ઉશ્કેરવા સિવાય કોઈ બીજો ઉપાય રહ્યો નહોતો અને એ ઉપાય એના મને ડૂબતો દોરડું પકડે તેમ પકડી લીધો. એટલી ચિંતામાં પણ, જયંતીની તબિયત જોવાને આવતા, તેમની આગળ તે બધા અનિષ્ટનું કારણ રાજારામને જ જણાવતો. તે કહેતો : “મને તો નક્કી લાગે છે, કે જયંતીને મોહન નડે છે. ગમે તે કહો, પણ તે જીવતો હોય તો આમ થાય જ નહિ. ઘર પૂછીને આવતી લક્ષ્મી પાછી વાળી ત્યારથી મને તો થતું હતું કે અમારું ભૂંડું થવા બેઠું છે. કોણ જાણે અમારા કુળમાં ક્યાંથી આવો પાક્યો ! જરૂર એ છોકરાનું મન પરણવામાં રહી ગયું છે ને ભૂત થયો છે. શરમાય છે એટલે બોલાતું નથી, પણ વાસના છે ને ! જુવાનજોધને કાંઈ મરવું ગમ્યું હશે ?” આમ તેણે અનેક સૂચનો કર્યા અને જયંતી ભાનમાં આવ્યો ત્યારે “કોઈને દેખછ ? કોને દેખછ?” પૂછી પૂછીને તેણે નક્કી કર્યું કે મોહન મરી ગયો છે ને તેને વાસના રહી ગઈ છે. નાતના લોકો સમક્ષ તેણે