પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કેટલેક ઠેકાણે એટલી ભીડ થતી હતી કે લોકોને ચાલવાનું પણ મુશ્કેલ પડતું હતું. અકસ્માત ન થવા માટે, તથા વ્યવસ્થા રાખવા માટે ફરતા પોલીસના માણસોમાંના કેટલાકની આંખમાંથી આંસું ટપકતાં હતાં. રસ્તા ઉપર બારીએ વારી અને અગાસીએ અગાસી સ્ત્રી તથા પુરૂષોથી ભરાયેલી હતી અને ઠામે ઠામ સ્ત્રીઓ તથા પુરૂષો તથા છોકરાઓ પોતાના પ્યારા આગેવાન માટે પોકેપોક રડતા સંભળાતા હતા, તથા જોવામાં આવતાં હતાં. તે વખતનો દેખાવ કાળજું ચીરી નાંખે તેવો હતો.

આસ્તે આસ્તે ચાલતાં સરઘસ “કેસા ઊનની” મસ્જીદે પહોંચ્યું, જ્યાં ૨૦ મીનીટ બંદગીમાં ગુજાર્યા પછી ફરીથી તે આગળ વધ્યું. જે વખતે તે અવલમંજીલ પહોંચ્યું તે વખતે સમુદ્રનાં મોજાંની પેઠે શોકમાં ડુબેલા માણસો ચારે દિશામાંથી આવતાં જણાતાં હતાં. શબને કબરમાં મૂકતાં લોકો અચકાવાથી કેટલોક વખત ગયો હતો. પાયદસ્તની ક્રિયા વખતે ઈસ્માઈલ પાશા સબરી જેમણે એક વખત ન્યાયખાતાના વડાનો હોદ્દો ભોગવેલ હતો તેમણે બનાવેલ મરશીયા પઢવામાં આવ્યા હતા, જે સાંભળી લોકો લાગણીને લીધે હૈયું ભરાઈ આવતાં ધ્રુસ્કે ધ્રુસ્કે રડતાં હતાં.

મરશીઆની કેટલીક કડીઓ નીચે મુજબ છે –

“ઓ કબર, તારા મહેમાનને તું માનપૂર્વક આવકાર દે. આખી ઈજીપ્શીઅન પ્રજાની આશા તેનાપર હતી.