પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અમે ગરીબ ભલે રહ્યાં, પણ અમારે કાંઈ વ્યાધિ નથી. તમે વધારે ઠાઠથી રહેતાં હશો. પણ તેથી ઝાઝું કમાવાની હાયવોય તમારે કરવી પડતી હશે. અને ઝાઝું કમાવા જતાં ઝાઝું ખોઈ પણ બેસો. આજે તમે શાહુકાર થઈ ફરો, પણ કાલે તમારે ભીખ માંગવી પડે એવો અવસર પણ આવે. અમે કદિ ધનાઢ્ય નહિ થઈએ તે બરાબર; પણ અમને પેટ પૂરતું રોજ મળી રહેશે.”

“પેટ પૂરતું મળી રહેશે ?” મોટી બ્હેન બોલી ઉઠી. ‘ચાલો તેમાં તે શું સંભળાવ્યું ? કૂતરાં મીંદડાંને જેમ મળી રહે છે તેમ તમને પણ મળે; પણ નહિ તમે નાતના કે જાતના, નહિ રીતના કે ભાતના. તારો ધણી બિચારો ગમે તેટલી મહેનત કરશે છતાં તમે રહેવાના ઉકરડામાં અને મરવાના પણ ઉકરડામાં; અને તમારા છોકરાંઓનું પણ તેમજ.”

“તેમાં શું થઇ ગયું ?” નાની બ્હેને હિમ્મતથી જવાબ વાળ્યો. “અમે ભલે તેવાં રહ્યાં, પણ અમારે નિરાંત છે. અમારે નથી કોઈની પાસે વાંકા વળવાનું, કે નથી કોઈની દહેશત. તમને શહેરના રહેવાસીઓને ઘણી એ લાલસા હોય છે. આજે તારી હાલત સારી છે, અને કાલે તારા ધણીના મગજમાં ભૂત ભરાય, તો જૂગાર દારૂ કે સ્ત્રીના ફંદામાં ફસાઈ બધું ગુમાવી દે. કેમ ખરૂં કે નહિ ?”

પ્રેમો પટેલ (નાનીનો ધણી) ઓટલા પર પડ્યો બધું સાંભળતો હતો. તે વિચાર કરવા લાગ્યો કે “આ વાત ખરી છે. જો માણસ બાળપણથી મહેનત કરતાં અને ધરતીનાં ઢેફાં ભાંગતાં શીખ્યો હોય તો પછી તેના મગજમાં ભૂત ભરાતું નથી. પણ મારે મુશ્કેલી એ છે કે પૂરતી જમીન મારી પાસે નથી. જો મારે જોઇએ તેટલી જમીન હોય તો પછી હું બાબરા ભૂતનીયે પરવા ન કરૂં.”