પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કરી ભીલની જાતના હતા. પરોણાચાકરીને તેઓ મોટો ધર્મ સમજતા હતા. જેવા પટેલ તેઓની નજરે પડ્યા તેવા તેઓ બહુ ખૂશી થઈ ગયા અને બધા તેની આસપાસ વિંટળાઈ વળ્યા. બધા કુંડાળું વળી બેઠા. પહેલાં તો પટેલે પોતાની પાસેથી તેઓને ખાવા આપ્યું. સૌ ખાઈ રહ્યા પછી પોતે જે ચીજો લાવ્યો હતો તે લોકોને વહેંચી આપી. લાકો રાજીરાજી થઈ ગયા. આ લોકોની ભાષા જુદીજ હતી. તેઓમાંથી એક પટેલની ભાષા થોડી ઘણી સમજતો હતો તે બધાના કહેવાથી આગળ આવ્યો, અને બધા વતી પટેલનો તેણે આભાર માન્યો. આ સખ્સને દુભાષિઓ નિમવામાં આવ્યો, અને તેની મારફત પટેલ તથા ત્યાંના લોકો અરસપરસ વાતો કરવા લાગ્યા.

દુભાષિયો લોકોના વતી પટેલને કહેવા લાગ્યો, કે “અમે બહુ ખૂશી થયા છીએ. અને તમારે શું જોઈએ છે તે અમને કહો જેથી અમે તમારે માટે બનતુ કરીએ.”

પટેલે કહ્યું : “મારે અહિં સરસમાં સરસ જમીન જોઈએ છીએ અમારા દેશમાં બહુ થોડી જમીન છે, અને છે તેમાં બહુ મહેનત કરવી પડે છે.”

દુભાષિયાએ આ વાત લોકોને કહી સંભળાવી. એ સાંભળી આ જંગલી લોકો ખૂબ બરાડા પાડવા મંડી પડ્યા. પ્રેમા પટેલનાં તો હાંજા જ ગગડી ગયાં. તે એમજ સમજ્યો, કે આ લોકો તેના ઉપર ગુસ્સે થઈ ગયા છે. પણ તેટલામાં તેઓને પાછા હસતા જોયા. એટલે પટેલના પેટમાં જીવ આવ્યો. થોડી વારમાં તેઓ શાંત થયા એટલે પેલા માણસે કહ્યું, કે “આ લોકો બહુ ખૂશી થયા છે, અને કહે છે કે તમારે જોઈએ એટલી જમીન તમે લેજો, તમે ફક્ત અમને હાથેથી બતાવશો કે કયી જમીન તમારે જોઈએ છીએ.”