પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચાલતા આ નગ્ન રખડતા ભિખારીને સાથે ઉપાડી લાવ્યા. તમને કંઈ શરમ નથી આવતી ? તમારા જેવા પીધેલને માટે મારી પાસે ખાવાનું નથી.”

નથુ જરા ગુસ્સાના આવેશમાં બોલ્યો: “હવે એટલુંં બસ થશે. જરા જીભને ટુંકી કર. પ્રથમ તું પૂછ તો ખરી કે એ કેવો માણસ છે ?”

સ્ત્રીએ કહ્યું:–“તમે તે પૈસાનું શું કર્યુંં તે તો કહો !” દારૂ પીતાં થોડા પૈસા બાકી રહ્યા હતા તે નથુએ તેના તરફ ફેંકી દીધા. અને જણાવ્યું કે:–“ઉધરાણી બીલકુલ મળી નહિ. આવતા અઠવાડીઆમાં વાયદો કર્યો છે. ત્યારે કપડાં વિષે જોઈશું.”

આ સાંભળી સ્ત્રી વધુ ગુસ્સે થઈ અને એક નગ્ન ભિખારીને ઘરમાં આણેલો જોઈ તે નથુ પર ગાળો વરસાવવા લાગી. પાસે પડેલા પૈસા લઈ તે નથુને કહેવા લાગીઃ “મારી પાસે ખાવાનું નથી. આવા રઝળતા ભિખારીઓને તમે ઘરમાં લાવ્યા કરશો અને હું ખાવાનું ક્યાંથી આપીશ ?”

નથુએ ગુસ્સાથી કહ્યું:– “તું એકદમ ચૂપ રહે અને મારે જે કહેવાનું છે તે સાંભળ.”

સ્ત્રી કહેવા લાગી કે “તમારા જેવા પીધેલ બેવકૂફ પાસેથી શુ અક્કલની વાત સાંભળવી હતી ? પૈસા લઈ કપડાં લેવા ગયા અને તેનો દારૂ પી રસ્તામાંથી રઝળતા ભિખારીને ઉપાડી લઈ ઘેર આવ્યા; અને હવે મારૂં કર અને મારા પુનીઆનું પણ કર !! આ તમારી કુટેવો હું સહન કરી શકતી નથી.” અત્યંત ગુસ્સાના આવેશથી તે સળગી ઉઠી હતી, અને જેટલાં વેણ કહેવાય તેટલાં બધાં કહ્યાં.