ઇશ્વરેજ અને એની પાસે મોકલ્યો. નહિ તો એ ઠંડીમાં અકડાઈને મરી જાત. આપણે કેવી રીતે કલ્પના કરી શકીએ કે એની ઉપર શું મહાન કષ્ટ ઉતરી પડ્યું છે ? જેથી મેં એને મારૂં અંગરખું અને પગરખાં પહેરાવ્યાં. અને અહીંઆ લઈ આવ્યો. હવે તારા અંતઃકરણમાં જરા દયા રાખ. આપણે સર્વને એક વખત મરવું તો છેજ. તો પાપાચરણ કરતાં તરત અટકવું જોઇએ.”
આ સાંભળી સ્ત્રીના અંતઃકરણમાં પાછા ઠપકો દેવાનું મન થઈ આવતું હતુંં. પરંતુ તેણે નવા આવેલા શખસની સામે જોયું. અને કંઇ બોલી નહિ. દેવદૂત બાંકડાના એક ખૂણા ઉપર આંખો મિંચી મસ્તક નીચું રાખી હાલ્યા ચાલ્યા સિવાય ઉંડા વિચારમાં નિમગ્ન થઈ બેઠેલો હતો. નથુની સ્ત્રી પણ શાંત થઇને બોલ્યા ચાલ્યા સિવાય ઉભી રહી હતી.
નથુએ કહ્યું:– “શું તારા અંતઃકરણમાં ઈશ્વરનો વાસ નથી ?” આ શબ્દોથી સ્ત્રીનું અંતઃકરણ એકાએક નરમ થઈ ગયું. અને તે દેવદૂતના તરફ જોવા લાગી. તેને તેના તરફ પ્રેમવૃત્તિ ઉત્પન્ન થઈ. તે તરતજ રસોડામાં ગઈ અને બંનેને માટે ખાવાનું લઈ આવી નથુએ દેવદુતને પાસે બોલાવ્યો. અને રોટલી ખાવા આપી. અને બંને જણા સાથે બેસી ખાવા લાગ્યા.
નથુની સ્ત્રી પણ એક બાજુ ઉભી રહી દેવદુતને બારીકાઈથી જોવા લાગી. એને તેને માટે દિલમાં સદ્ભાવ ઉત્પન્ન થયો. એકાએક દેવદૂતના મ્હોં ઉપર પ્રકાશ ઉત્પન્ન થયો. તેની આંખો ચળકવા લાગી અને તે સ્ત્રીને જોઈ તેણે મ્હોં મલકાવ્યું. નથુ તથા તેની સ્ત્રી બંને આશ્ચર્ય પામ્યાં, દેવદુત અને નથુ બંને જમી રહ્યા પછી સ્ત્રીએ વાસણ ધોયાં. અને તે પછી દેવદૂત પાસે આવીને પૂછવા લાગી:– “ભાઇ, તમે ક્યાંથી આવો છો ?”