પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દયામણી સ્થિતિ જોઈ તેના દિલમાં લાગણી પણ ઉત્પન્ન થઈ આવતી. આવા વિચારમાં ને વિચારમાં તે મોડી રાત સુધી ઉંઘી નહિ. તેણે પોતાના ધણીને પણ જાગતા જોયા. નથુએ પૂછ્યું: “કેમ ? તું પણ જાગે છે કે ?”

સ્ત્રીએ કહ્યું:– “હા તમે બંને જણાએ બધી રોટલી ખલાસ કરી છે. તેથી હવે કાલે શું કરીશું તેના વિચારમાં હું પડી છું. હું ધારૂં છું કે કાલે પાડોશીને ત્યાંથી રોટલી ઉછિની લાવવી પડશે તે સિવાય બીજો રસ્તો નથી.”

નથુએ કહ્યું:—“જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધીની આપણી ફિકર તે પરમ દયાળુ પિતાનેજ છે. ‘કીડીને કણ અને હાથીને મણ.’ એમ સૌ સૌની જરૂરીઆત પ્રમાણે તે આપે છે. તો તારી અને મારી ચિંતા શું કામની ?”

સ્ત્રી આ સાંભળી શાંત થઇ અને થોડી વાર પછી પૂછવા લાગી:— “આ દેવદૂત ભલો માણસ દેખાય છે. પરંતુ એ પોતાના વિષેની હકીકત કેમ આપણને જણાવતો નથી ?”

નથુએ કહ્યું:— “એ નહિ જણાવી શકે એવી સ્થિતિમાં હશે. એટલે આપણે જાણવાની શી જરૂર છે ?”

સ્ત્રીએ કહ્યું:– “ એ તો ઠીક. પરંતુ આપણે બીજાઓને આપણી સ્થિતિ પ્રમાણે મદદ આપીએ છીએ. ત્યારે આપણને કેમ કોઈ આપતું નથી ?”

નથુને આ પ્રશ્નનો જવાબ શું આપવો, એ સૂઝ્યું નહિ, તેથી કહ્યું: “બસ હવે વાતો બંધ કર, અને સૂઈ જા. મને ઉંઘ આવે છે.” એમ કહી નથુ બોલતો બંધ પડ્યો; અને થોડી વારમાં સૌ નિદ્રાવશ થયાં.