પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વરસની મુદ્દતમાં જોડા ફાટી ગયા, કે આકાર બદલાયો તો હું તને જેલમાં મોકલીશ એ ધ્યાનમાં રાખીને જોડા બનાવવાનું માથે લેજે. અને જો એક વરસ સુધી આકાર બદલાયા વિના ચાલશે તો તેને માટે તને બમણું દામ આપીશ.”

નથુ તો આથી ગભરાઈ ગયો. તે દેવદૂત પાસે જઈ કાનમાં કહેવા લાગ્યો કે “કેમ, આ કામ લઈએને ?”

દેવદૂતે હા પાડી એટલે નથુએ શેઠીઆને કહ્યું:– “તમારી શરત મુજબ જોડા બનાવી શકીશ.” શેઠીએ પગનું માપ લેવાનું કહ્યું. નથુ માપ લેતો હતો એટલામાં તો શેઠીઆએ દેવદૂત ભણી નજર નાંખી પૂછ્યું: ‘આ કોણ છે ?’ નથુએ જણાવ્યું, કે “મારો નોકર છે.” શેઠીએ કહ્યું, કે “એવા સરસ જોડા બનાવજે કે એક વરસ સુધી ચાલે.”

દેવદૂતે સાંભળ્યા કર્યું. તેની નજર શેઠીઆની ઉપર હતી. અને કેટલીક વખત તે તેના માથાની ઉપર ઉંચે જોયા કરતો હતો. કેટલોક વખત એમ જોયા પછી તે હસી પડ્યો. અને તેનો આખો ચહેરો પ્રકાશમાન જણાવા લાગ્યો.

શેઠીએ દેવદૂતને કહ્યું:– “તું શું હસે છે ? કંઈ જંગલી જેવો લાગે છે. એટલું બરોબર ધ્યાન રાખજે કે વખતસર જોડા તૈયાર કરવાના છે.”

દેવદૂતે કહ્યું:– “આપને જ્યારે જોઈએ ત્યારે હું હાજર કરીશ.”

શેઠીઆએ બીજી આપવા જેવી સૂચના આપી અને પછી પોતાના ગાડામાં બેસી ત્યાંથી વિદાય થયો.