પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 જોવા લાગી. થોડીવાર પછી નથુ આવ્યો અને તેણે જોયું કે તે શેઠીઆના ચામડામાંથી જોડા બનાવવાનું મૂકી દેવદૂત સપાટ બનાવે છે !

નથુ એકદમ દીલગીર થઈ ગયો અને વિચાર્યું કે દેવદત એક વર્ષ થયા કામ કરે છે અને કોઈ દિવસ કાંઈ પણ ભૂલ કરી નથી અને આજે આ શું કરે છે ? તે શેઠીઆએ જોડા બનાવવાનું કહ્યું છે ને આ તો સપાટ બનાવે છે. હવે તો એણે ચામડું પણ કાપીને બગાડ્યું છે ! અને હું તે શેઠીઆને શું જવાબ દઇશ ? એમ મોટી ફીકરમાં પડ્યો. કારણે કે એવું ચામડું બીજી જગ્યાએથી મળી શકે એમ પણ ન હતું.

અત્યંત શોકાતુર થઈ તેણે દેવદૂતને કહ્યું:– “મારા દોસ્તદાર, આ તેં શું કર્યું ? તેં મારા સર્વસ્વનો હવે નાશ કર્યો છે. તે શેઠીઆએ જોડા બનાવવાનો હુકમ આપ્યો છે અને તેં તો સપાટ બનાવ્યા. હવે હું શું કરીશ ? તે શેઠીઓ કોઈ મોટો પુરૂષ છે, અને તે મને કેદમાં નાંખશે. મારાં બાયડી છોકરાંનું શું થશે ?…”

નથુ આમ વાતચિત કરે છે એટલામાંજ બારણે કોઇનો અવાજ સંભળાયો. બારીમાંથી નથુએ બહાર જોયું. તો કોઇ ઘોડા ઉપરથી ઉતરી દુકાનમાં આવે છે. તેણે જઈ બારણું ઉઘાડ્યું તો તેજ શેઠીઆનો નોકર આવ્યો. તે કહેવા લાગ્યો કે–“મારી શેઠાણીએ જોડા વિષે કંઇ સૂચના કરવા મને મોકલ્યો છે.”

નથુએ પૂછ્યું:—“શું છે ?”

નોકરે કહ્યું:— “શેઠ તે દિવસે આવ્યા હતા, તેને માટે જોડા બનાવવાના હતા. પરંતુ તે એકાએક ગુજરી ગયા છે.”

નથુએ કહ્યું:— “એવું તું શું બોલે છે ?”