પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જન્મ એમના પિતા ગુજરી જવા પછી ત્રણ દિવસે થયો હતો. અને મા એકજ દિવસ જીવતી રહી હતી.

“તે વખતે હું મારા પતિ સાથે તેજ ગામમાં રહેતી હતી. એમનું ઘર અમારા ઘરની નજીકમાંજ હતું. એમનો બાપ ગરીબ સ્થિતિનો હતો, અને જંગલમાં લાકડાં કાપવાનું કામ કરતો હતો. એક દિવસે તે એક ઝાડ કાપતો હતો, તે વખતે એકાએક તે ઝાડ તેના ઉપર પડ્યું. અને તે છુંદાઈને મરી ગયો. જંગલમાંથી ઘેર લાવતાં સુધી પણ તે જીવ્યો નહિ.”

જે અઠવાડીઆમાં તે ગુજરી ગયો તેજ અઠવાડીઆમાં તેની સ્ત્રીએ એક સાથે બે બચ્ચાંને જન્મ આપ્યો. તે ગરીબ બિચારી સ્ત્રી કોઈના પણ આધાર વગરની થઈ ગઈ હતી. જે દિવસે તેણે છોકરાંને જન્મ આપ્યો તેજ દિવસે હું તેને જોવા ગઈ; અને તેનું શરીર મને એકદમ ઠંડુ લાગ્યું. તે બિચારી મરવાની અણી પર હતી. દુઃખને લીધે કદાચ તે પથારીમાં આમ તેમ પાસું બદલતી હશે તેમાં આ છોકરીનો કુમળો પગ છુંદાઈ ગયો હશે. પાડોશીઓ તરતજ ત્યાં આવ્યા. અને શરીરને ધોયું અને મૃતક દેહને વાસ્તે બીજી સર્વ તૈયારીઓ તેમણે કરી અને તે સ્ત્રીને અગ્નિદાહ દીધો.

“પડોશીઓ સર્વ ભલાં માણસ હતાં તેમણે હવે વિચાર્યું કે આ કોમળ બાળકોનું શું કરવુંં ? સર્વ લોકોએ એકઠા થઈ વિચાર્યું કે છોકરાં હાલ તુરત તો મને સોંપવાં કારણ કે તે વખતે મને એક નાનું છોકરું હતું, એટલે હું દુધ આપી શકતી હતી. પછી શું કરવું તે સર્વ લોકોએ મળી વિચાર કરવાનું રાખ્યું. મેં બંને છોકરાંઓને દુધ આપ્યું; અને ત્રીજું મારૂં હતું તેને પણ. હું તે વખતે યુવાન અને મજબુત હતી, અને સારો ખોરાક લેતી હતી.