પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નથુ આ સર્વ શાંત ચિત્તથી સાંભળી રહ્યો, કારણ કે આ દેખાવ કંઈ તેને નવો ન હતો. ગુસ્સામાં ને ગુસ્સામાં સ્ત્રીએ ત્યાંથી ચાલી જવાનો વિચાર કર્યો. પરંતુ આ અજાણ્યા પુરૂષ કોણ હતો તે જાણવાની તેને ઘણી ઉત્કંઠા હતી તેથી તે રસોડામાંજ બેઠી.


પ્રકરણ ૪ થું.

થુ તથા દેવદૂત બાંકડા ઉપર બોલ્યા ચાલ્યા સિવાય છે બેસી રહ્યા હતા. સ્ત્રીએ પોતાના મનનો ઉભરો વચન બાણ વડે ખાલી કર્યો, અને આખરે થોડોક સમય વીત્યા બાદ તે શાંત પડી અને નથુને કહેવા લાગી કે “જો આ ભલો મનુષ્ય હોય તો આવી નગ્નાવસ્થા અને અધમાવસ્થામાં કેમ હોય ? પાસે પહેરવાનું એક પહેરણ પણ નથી. આવું ઉત્તમ પુરૂષારત્ન તમે ક્યાંથી શોધી લાવ્યા?”

નથુ બાલ્યો–“ હું તને પ્રથમથીજ આ મનુષ્ય વિષે કહેવાની કોશીષમાં હતો. પરંતુ તારો ઉભરો ખાલી કર્યા સિવાય તું કોઈનુ સાંભળે એમ ક્યાં છે? હું સામે છેટની ગલીમાં થઈને અંધારામાંથી ચાલ્યો આવતો હતો ત્યાં આગળ પેલા દેવળ નજદીક ભીંતને અઢેલી તદ્દન નગ્નવસ્થામાં બેઠેલા આ માણસને મેં જોયો. ઠંડીથી એ તદ્દન અકડાઈ ગયેલો હતો. પ્રથમ તો મને આવી સ્થિતિમાં મનુષ્યને જોઇ ધાસ્તી લાગી અને હું ઘર તરફ ચાલ્યો આવવા લાગ્યો.

“પરંતુ પરમાત્માએ મને પ્રેરણા કરી કે એક દુઃખી મનુષ્યને આવી સ્થિતિમાં જોઈ તેના વિષે કંઈ પણ તજવીજ કર્યા સિવાય ચાલી અવાયજ નહિ. તેથી હું પાછો ફર્યો અને તેની પાસે ગયો.