પૃષ્ઠ:Egypt-No Uddhark.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શક્યો નથી. તેનો ધણી જંગલમાં એકાએક ગુજરી ગયો અને તેને બે જોડે જન્મેલાં બચ્ચાં છે. આથી તેનો આત્મા હાલમાં ન લેવો એમ તે વિનંતિ કરે છે. અને કહે છે કે મને છોકરાંને ઉછેરીને મોટાં કરવા દે. માબાપ સિવાય તે કેવી રીતે જીવી શકે ? અ જોઈ મારાથી તેના પ્રાણને લઈ શકાયો નહિ.’

ઈશ્વરે કહ્યું:- ‘તું તરતજ પાછો ચાલ્યો જા. અને તે સ્ત્રીનો પ્રાણ લઈ આવ. તારે હજુ ત્રણ શબ્દો શિખવાના છે: (૧) મનુષ્યમાં શું સમાયેલું છે ? (૨) મનુષ્યને શું બક્ષવામાં આવ્યું નથી ? (૩) અને મનુષ્યો શાથી જીવી શકે છે ? જ્યારે તું આ શબ્દો શિખી રહે ત્યારેજ–ત્યાર પછીજ–તું સ્વર્ગમાં આવજે.” હું પૃથ્વી પર તરતજ ચાલ્યો આવ્યો. અને મેં તે સ્ત્રીના પ્રાણ લીધા. બચ્ચાંઓ માની છાતીએથી છૂટાં પડ્યાં.

હું તે સ્ત્રીના આત્માને લઈ ઇશ્વર પાસે જવા ઉંચે ચઢ્યો. પરંતુ ભારે પવન ફુંકાતો હોવાથી મારાથી ઉંચે ચઢી શકાયું નહિ. મારી પાંખો તૂટી પડી. તે સ્ત્રીનો આત્મા મારી પાસેથી છટકીને એકલોજ ઇશ્વર પાસે ચાલ્યો ગયો. અને હું, આપે જે દેવળની સામે રસ્તાની બાજુમાં પડેલો મને જોયો ત્યાં, નગ્નાવસ્થામાં પડ્યો.